- સુપ્રસિદ્વ નિર્દેશક સુમિત્રા ભાવેનું નિધન
- ફેફસાં સંબંધિત બીમારીના કારણે તેમનું નિધન થયું
- તેમને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડ એનાયત કરાયા છે
નવી દિલ્હી: સુપ્રસિદ્વ નિર્દેશક તેમજ લેખિકા સુમિત્રા ભાવેનું નિધન થયું છે. ફેફસાં સંબંધિત બીમારીના કારણે સોમવારે તેમનું નિધન થયું છે. આ અંગે ફિલ્મ નિર્દેશક સુનિલ સુખ્તનકરે જાણકારી આપી હતી. મરાઠી સિનેમા અને થીયેટરની પ્રસિદ્વ હસ્તી સુમિત્રા ભાવે છેલ્લા 2 મહિનાથી ફેફસા સંબંધિત બીમારીઓથી ઝઝૂમી રહી હતી. ભાવેને ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા છે.
તેમને વિશે જણાવીએ તો, તેમણે પોતાની શિક્ષા પૂર્ણ થયા બાદ એક સમાજ કલ્યાણ સંસ્થા સાથે કામ શરૂ કર્યું હતું અને પૂણે સ્થિત કર્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાઇન્સમાં અધ્યાપક તરીકે કામ કર્યું.
સુમિત્રા ભાવેનો જન્મ 12 જાન્યુઆરી 1943ના રોજ પૂણે ખાતે થયો હતો. તેમણે મરાઠી ભાષાની લોકપ્રિય ફીચર ફિલ્મોનું ડાયરેક્શન કર્યું હતું. તેમણે 50થી વધુ લઘુફિલ્મો અને અને કેટલીક મરાઠી સીરીયલ્સનું પણ ડાયરેક્શન કર્યું હતું. તેમણે વર્ષ 1985માં પોતાની પ્રથમ ફિલ્મ ‘બાઈ’ બનાવી, જેને ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. ભાવે અને સુખ્તનકરે 1995માં ફિલ્મ ‘દોધી’ બનાવી, આ ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
સાથે જ તેમણે દેવરાઈ, ઘો માલા અસાલા હવા, હા ભારત માજા, અસ્તુ- સો બીટ ઈટ, સંહિતા, વેલકમ હોમ, વાસ્તુપુરુષ, દાહવી ફા અને કાસવ જેવી ઘણી હિટ ફિલ્મો આપી.
(સંકેત)