- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિહિપ ફંડ એકત્ર કરશે
- વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં ફરશે
- આ ગામોમાં ફરી ફંડ એકત્ર કરશે
નવી દિલ્હી: અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આ નિર્માણ કાર્ય માટે ભંડોળ એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકરો ગુજરાતના 18 હજાર ગામડાંમાં ફરશે. વિહીપ દ્વારા 15 જાન્યુઆરીથી આ અભિયાન હાથ ધરવામાં આવશે અને ભંડોળ એકત્રિકરણ કરવામાં આવશે.
વીહીપના સંયુક્ત મહા સચિવ સુદર્શન જૈને શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં રામ મંદિર નિર્માણ માટે ફાળો ઉઘરાવવામાં આવશે. અંદાજે 40 લાખ સ્વયંસેવકો દેશના 5.23 લાખ ગામમાં વસતા 65 કરોડથી વધુ હિન્દુઓ પાસે જઇ ભંડોળ એકત્ર કરવાની કામગીરી કરશે. ગુજરાતમાં 18,556 ગામો આવેલા છે અને અમે પ્રત્યેક ગામમાં જઇશું.
અમારા સ્વયંસેવકો દરેક હિન્દુને મળીને રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવા જણાવશે. જૈને વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે દરેક વર્ગમાંથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે જૈન સમાજ દ્વારા 25 કિલોગ્રામની ચાંદીની ઇંટ પણ ભેટમાં આપવામાં આવી છે. અમે ફક્ત સરકાર કે પસંદગીના વેપારીઓ પાસેથી ભંડોળ એકત્ર કરવાનું નથી વિચારી રહ્યા. રામ મંદિર નિર્માણ રાષ્ટ્રના રેક લોકોના સહયોગથી થશે.
આ અંગે વીએચપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભંડોળ એકત્ર કરવા માટે સુરતના હીરા ઉદ્યોગપતિ અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક ચેરમેન ગોવિંદ ધોળકીયાને વીએચપીની કમિટીના ચેરમેન નિયુક્ત કરાયા છે.
(સંકેત)