Site icon Revoi.in

સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની કરાઇ ધરપકડ

Social Share

બેંગલુરુ: સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં પોલીસે કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના પત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની ધરપકડ કરી છે. તેની સોમવારે અડધી રાત્રે ચેન્નાઇથી ધરપકડ કરવામાં આવી હતી. આદિત્ય વિરુદ્વ ગત વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ FIR કરવામાં આવી હતી અને ત્યારબાદથી તે ફરાર હતો. આપને જણાવી દઇએ કે આ કેસમાં કુલ 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનરએ કહ્યું હતું કે, કોટનપેટ ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી આદિત્ય અલ્વાની ધરપકડ કરાઇ છે. તેની શોધખોળ ચાલતી હતી. માહિતી મળતા જ ગઇ કાલે રાત્રે તેની ચેન્નાઇથી ધરપકડ કરવામાં આવી હતી.

આદિત્ય ડ્રગ્સ કેસમાં આરોપી નંબર 6 છે. FIRમાં કહેવામાં આવ્યું હતું કે તે પાંચ જુલાઇના રોજ યેલહેંકામાં પ્રાઇવેટ હોટલમાં યોજાયેલી પાર્ટીમા હાજર રહ્યો હતો. તેને મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવશે. તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ કસ્ટડીની માગ કરાશે.

નોંધનીય છે કે, 20 સપ્ટેમ્બરના રોજ CCBએ હેબ્બલ, નોર્થ બેંગલુરુ સ્થિત અલ્વાના ઘરે દરોડા પાડ્યા હતા. આ પહેલાં તેમણે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. ઓક્ટોબર, 2020માં પોલીસે અલ્વાને શોધવા માટે વિવેક ઓબેરોયના મુંબઈ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા અને એક્ટરની પત્ની પ્રિયંકાને નોટિસ આપીને તપાસમાં સહયોગ આપવાનું કહ્યું હતું.

(સંકેત)