- દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એઇમ્સની લીધી મુલાકાત
- વર્ષ 2020ની તુલનાએ કેસ વધારે છે પરંતુ આપણે તૈયાર છીએ: ડૉ. હર્ષવર્ધન
- આપણી પાસે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ છે
નવી દિલ્હી: દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે એઇમ્સ હોસ્પટિલની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત પહેલા એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એઇમ્સના ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે દર્દીઓ સાથે મુલાકાત કરી અને સ્વાસ્થ્ય સુવિધાઓનું નીરિક્ષણ કર્યુ હતું. આ દરમિયાન એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રોમા સેન્ટરની મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં વર્ષ 2020ની તુલનાએ ભલે કેસની સંખ્યા વધારે છે પરંતુ અમે સજ્જ છીએ કારણ કે વર્ષ 2021માં ડોક્ટર પાસે કોવિડનો અનુભવ છે અને કોરોનાની બિમારીને ડોક્ટરો સારી રીતે સમજી ગયા છે. આપણી પાસે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ છે. તેમણે કહ્યું કે, આપણે ટેક્નોલોજી મામલે સંપૂર્ણપણે સજ્જ છીએ અને અત્યારે સૌથી મોટો પડકાર માત્ર કોરોનાની લહેર છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડની અછત સર્જાઇ છે. સ્મશાનોમાં પણ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે, આજે કોરોના વાયરસના નવા 2,17,353 કેસ સામે આવ્યા છે જ્યારે 1,18,302 લોકો સાજા થયા છે. 24 કલાકમાં ભારતમાં 1,185 લોકોના મોત નિપપજ્યા છે.
(સંકેત)