- કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે બ્લેક ફંગસ અંગે ડૉ. ગુલેરિયાનું નિવેદન
- બ્લેક ફંગસના સંક્રમણને ટાળવા માટે આક્રમક ગતિએ કામ કરવું આવશ્યક
- જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે
નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે હવે દેશમાં સતત વધતા મ્યુકોરમાઇસિસ અને બ્લેક ફંગસના કેસે ચિંતા વધારી છે. આ સ્થિતિમાં એઇમ્સ નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, ફંગલ સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવામાં આવે તે આવશ્યક છે. જો કોરોના સંક્રમણના કેસ ઓછા થશે તો બ્લેક ફંગસના કેસ પણ ઓછા થઇ જવાની સંભાવના છે.
બ્લેક ફંગસ વિશે વાત કરતા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે મ્યુકોરમાઇસિસ એક કાળી ફંગસ નથી, ફંગલ સંક્રમણથી ત્વચાનો રંગ ફીક્કો પડી જાય છે, તેનું કારણ શરીરમાં લોહીની સપ્લાય ઓછી થઇ જાય છે. એવામાં એવું લાગે છે કે શરીરનો કોઇ ભાગ કાળો પડી ગયો છે.
તેમણે સૂચન કર્યું હતું કે જે લોકોને સંક્રમણનો વધારે ખતરો છે તેમણે સુગરના લેવલને કાબૂમાં રાખવાની આવશ્યકતા છે. સ્ટીરોઇડનો અતિશય ઉપયોગ કરવાનું ટાળવું પડશે. સ્ટીરોઇડનો જલ્દી ઉપયોગ ના કરવો જોઇએ કારણ કે કેટલાક આંકડા દર્શાવે છે કે સ્ટીરોઇડના પ્રારંભિક ઉપયોગથી બેક્ટેરિયા અને ફંગલ બંનેના સંક્રમણનં જોખમ વધુ રહે છે.
દેશમાં આવનારી સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરતી હોવાની અટકળો પર ડૉ. ગુલેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, ત્રીજી લહેર બાળકોને જ પ્રભાવિત કરશે તે માટેના કોઇ પર્યાપ્ત પુરાવા નથી. આવનારી લહેરમાં વાયરસની પ્રકૃતિના કારણે બાળકોમાં ઓછું સંક્રમણ થશે.
ગુલેરિયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે બાળકો માટે હાલમાં રસી પરિક્ષણ થઇ રહ્યું છે ત્યારે આગામી 3-4 મહિનામાં બાળકો માટે વેક્સિનને મંજૂરી મળી શકે છે. વેક્સિનથી બાળકોને વધારે સુરક્ષિત રાખી શકાશે.