- પશ્વિમ રેલવેએ બિનજરૂરી વસ્તુઓ વેચીને કરી કમાણી
- પશ્વિમ રેલવેએ બિનજરૂરી વસ્તુઓ વેચીને 533.37 કરોડની આવક મેળવી
- બિનજરૂરી ટ્રેક, કોચ, વેગન, લોકોમોટિવ્સનો સ્ક્રેપ વેચીને આવક મેળવી
નવી દિલ્હી: ભારતમાં બિનજરૂરી વસ્તુઓના ભંગારથી પણ લોકો કમાણી કરતા હોય છે. જો કે કેટલીક કમાણીનો આંક વાંચીને જ આપણે અવાક થઇ જઇએ છીએ. પશ્વિમ રેલવેએ પણ કંઇક આવું જ કર્યું છે. પશ્વિમ રેલવેએ તેની લોખંડ સહિતની બિનજરૂરી વસ્તુઓ વેચીને વર્ષ 2019-20માં 533.37 કરોડની આવક મેળવી છે. જે સમગ્ર દેશમાં આવકની દ્રષ્ટિએ સૌથી વધુ કહી શકાય.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 230 કરોડના સ્ક્રેપનું રેલવેએ વેચાણ કર્યું છે. તેમાં ટ્રેક, કોચ, વેગન, લોકોમોટિવ્સ અને પુલોનો સ્ક્રેપ વેચી કઢાયો હતો.
આપને જણાવી દઇએ કે મિશન ઝીરો સ્ક્રેપ યોજના હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં તમામ કારખાનાઓમાં 100 ટકા, સ્ટેશનો ઉપરનો 97 ટકા અને સેક્શન અને ડેપોમાં 65 ટકા સ્ક્રેપનો નિકાલ કરી દેવાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર વર્ષ 2020-21ના અંત સુધીમાં જૂના સ્ટાફ કર્વાટર્સ, સર્વિસ બિલ્ડિંગ, પાણીની ટાંકીઓ પણ દૂર કરવામાં આવશે. રેલવેના બિનજરૂરી અને વણઉપયોગી ચીજવસ્તુઓને વેચીને આવકનું સર્જન કરી શકાશે અને જગ્યા ખાલી કરાશે જેના થકી તે જગ્યાઓ કોઇ બીજી કામગીરી માટે ઉપયોગ થઇ શકે.
(સંકેત)