પ્રાઇવસી પોલિસી પર વોટ્સએપે ફરીથી કરી સ્પષ્ટતા, કહ્યું – યૂઝર્સની પ્રાઇવસી અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા
- વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસી અંગે વધુ એક નિવેદન બહાર પાડ્યું
- અમે ભારત સરકારને ખાતરી આપી છે કે યૂઝર્સની પ્રાઇવસી અમારી પ્રાથમિક્તા છે: વોટ્સએપ
- તાજેતરના અપડેટ્સથી યૂઝર્સના અંગત મેસેજની ગોપનીયતામાં કોઇ ફેરફાર થશે નહીં
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી મેસેજિંગ એપ વોટ્સએપએ પોતાની પ્રાઇવસી પોલિસી લાગૂ કરી છે. જો કે પ્રાઇવસી પોલિસીનો વિવાદ સતત વધી રહ્યો છે. હવે દિલ્હી હાઇકોર્ટમાં પ્રાઇવસી પોલિસીની મુદ્દો પહોંચ્યો છે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અંગે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં એક સોંગદનામું દાખલ કર્યું છે, જેમાં જણાવાયું છે કે, વોટ્સએપ તેની ક્ષમતાનો દૂરપયોગ કરી રહ્યું છે અને લોકોને નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કરી રહ્યું છે.
અહીંયા તેની પોલિસી અંગે વોટ્સએપના પ્રવક્તા દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે ભારત સરકારને ખાતરી આપી છે કે યૂઝર્સની પ્રાઇવસી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અમે ફરી યાદ અપાવીશું કે તાજેતરના અપડેટ્સથી યૂઝર્સના અંગત મેસેજની ગોપનીયતામાં કોઇ ફેરફાર થશે નહીં.
વોટ્સએપના પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે તેનો ઉદ્દેશ એવા લોકો માટે વધારાની માહિતી રજૂ કરવાનો છે જે બિઝનેસને લઇને વાતચીત કરે છે. જો તેઓ પસંદ કરે તો. અમે આવતા સપ્તાહમાં વોટ્સએપની કાર્યક્ષમતાને મર્યાદિત કરીશું નહીં. તેના બદલે, અમે યૂઝર્સને સમય સમય પર અપડેટ્સ વિશે માહિતગાર રાખીશું.
15મેના રોજ પોલિસી અપડેટ લાગૂ થયા પછી, યૂઝર્સના એકાઉન્ટ બંધ થઇ જશે કે કેમ, તેના સવાલના જવાબમાં વોટ્સએપે કહ્યું હતું કે, યૂઝર્સનું એકાઉન્ટ ડિલીટ નહીં થાય તેમજ વોટ્સએપની ફંક્શનાલિટી પણ ચાલુ જ રહેશે.