Site icon Revoi.in

રસીકરણ અભિયાન: પહેલા તબક્કામાં કોને મળશે રસી? ડૉ.હર્ષવર્ધને કહ્યું – લિસ્ટ તૈયાર

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની રસીકરણના અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્યો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. પ્રારંભમાં જે લોકોને રસી અપાશે તેની યાદી તૈયાર છે. હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. આ પછી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાશે.

આરોગ્ય મંત્રી અનુસાર રાજ્ય સરકારો, જીલ્લા અધિકારીઓ અને બ્લોક લેવલ પર આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. દરેકને ગ્રાઉન્ડ સ્ટાફ, લોજીસ્ટ્કીસને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી એકવાર રસી આપવામાં આવે તો રસીકરણ અભિયાન શરૂ થઇ શકે અને તેમાં કોઇ સમસ્યા ના થાય. કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમની તૈયારી ચાલી રહી છે. આ સાથે જ સિરીંજ અને પાવર સિસ્ટમ સુધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે જીલ્લાથી લઇને બ્લોક લેવલ સુધી તૈયારી ચાલી રહી છે. લોકોને રસીકરણ અભિયાન માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન દ્વારા આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના ડ્રાય રન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી સરકાર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

તમને જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રન કરવામાં આવશે. સરકારની સૂચના મુજબ રાજ્યોએ તેમના બે શહેરોને ચિહ્નિત કરવા પડશે. આ પછી આ શહેરોમાં રસી પહોંચડવાની, હોસ્પિટલ સુધી જવાનું, પછી ડોઝ આપવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે, આ એક રિહર્સલ જેવું છે.

(સંકેત)