Site icon Revoi.in

ઉત્તર પ્રદેશમાં સરકારી બાબુઓ હવે બિઝનેસ ક્લાસમાં નહીં કરી શકે મુસાફરી, યોગી સરકારે ખર્ચ ઘટાડવા લીધો નિર્ણય

Social Share

નવી દિલ્હી: યોગી સરકાર સતત વધી રહેલા ખર્ચથી ચિંતિત છે. તેથી હવે યોગી સરકારે બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકાર અનુસાર કોરોના મહામારીનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર આર્થિક બોજો સતત વધી રહ્યો છે.

આ માટે હવે સરકારના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હવાઇ મુસાફરી માટે અધિકૃત અધિકારીઓ પણ હવે માત્ર ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરી શકશે. વર્તમાન નાણાકીય વર્ષમાં એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસની મુસાફરી પર સખત પ્રતિબંધ રહેશે. આ સિવાય અધિકારીઓને સત્તાવાર કામ માટે મુસાફરી ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.

તે ઉપરાંત વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં કોઇપણ વિભાગ નવા વાહનો ખરીદી શકશે નહીં. જે વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે તેની જગ્યાએ સરકારને ભાડા પર વાહનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારી વાહનોની જાળવણી તેમજ ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા પણ નિર્દેશ અપાયા છે.