- ભારતમાં ટૂંક સમયમાં વધુ એક વેક્સિનને મળી શકે છે મંજૂરી
- ઝાયડસની વેક્સિનને મળી શકે છે મંજૂરી
- 12 વર્ષથી વધારે ઉંમરના લોકોને અપાશે ડોઝ
નવી દિલ્હી: ભારતમાં થોડાક સમયમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિન આવવાની છે ત્યારે હવે વધુ એક વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં જ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. જો આ વેક્સિનને મંજૂરી મળશે તો ભારતમાં ઉપયોગમાં લેવાનારી છઠ્ઠી વેક્સિન બનશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઝાયડસ કેડિલાની વેક્સિન 12 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો માટે હોઇ શકે છે. જો આ વેક્સિનને મંજૂરી મળશે તો 12 થી 18 વર્ષની ઉંમરના લોકો માટે તે ભારતની પહેલી વેક્સિન બનશે. અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાએ વિશ્વની પ્રથમ DNA બેઝ્ડ કોવિડ વેક્સિન બનાવી છે. ટ્રાયલમાં તેની સફળતાનો દર 77 ટકા કરતાં વધારે નોંધાયો હતો.
અત્યાર સુધીમાં ભારતમાં કુલ 5 વેક્સિનને મંજૂરી મળી ચુકી છે અને તે પૈકીની 3 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે મોડર્ના, જોનસન એન્ડ જોનસન (સિંગલ ડોઝ)ની વેક્સિનને પણ મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાની વેક્સિન દેશની છઠ્ઠી વેક્સિન બનશે. ભારતમાં અત્યાર સુધીમાં 50 કરોડ કરતા વધારે વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે.
ભારત સરકારનું લક્ષ્ય ડિસેમ્બર 2021 સુધીમાં તમામ વયસ્કોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાનું છે.