- દેશમાં કોરોનાએ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
- જો કે લોકડાઉન થાય તેવી કોઇ શક્યતા નથી: RBI ગર્વનર
- કોરોનાના કેસમાં વધારો એ સરકાર માટે ચિંતાનો વિષય
નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણે ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફરીથી હાહાકાર મચ્યો છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન પણ વેગવાન બનાવાયું છે. અત્યારસુધીમાં 5 કરોડ કરતા વધારે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે કોરોનાના નવા વેરિયન્ટે સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
બીજી તરફ જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધારે છે ત્યાં અલગ અલગ પ્રકારના નિયંત્રણો પણ લાગૂ કરાયા હોવાથી લોકોમાં ફરી લોકડાઉન લાગૂ થશે તેવો ડર પ્રવર્તી રહ્યો છે. જો કે, આ અંગે રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, કોરોનાના કેસમાં થઇ રહેલો વધારો સરકાર માટે ચિંતાનો વિષય છે પરંતુ આ સમયે ગત વર્ષ જેવું લોકડાઉન લાગૂ થશે તેવી કોઇ આશંકા નથી.
તે ઉપરાંત તેમણે સરકારી બેંકોના ખાનગીકરણ અંગે કહ્યું હતું કે, આ અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને જે પણ કાર્યવાહી છે તેને આગળ વધારવામાં આવી રહી છે. હાલના તબક્કે બેંકોની નાણાકીય સ્થિતિ સારી રીતે જળવાય તે અમારી પ્રાથમિક્તા છે.
(સંકેત)