Site icon Revoi.in

કાશ્મીરમાં ફરી આતંક ફેલાવા ISI સક્રિય, આ કાવતરું ઘડ્યું

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં જોવા મળી રહેલી શાંતિ પાકિસ્તાનને ખુંચી રહી છે અને એટલે જ પાકિસ્તાન નાપાક હરકતો કરીને અને આતંકી હુમલા કરાવીને ઘાટીમાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે કાશ્મીરમાં આતંક કઇ રીતે ફેલાવી શકાય તેને લઇને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને અનેક આતંકી સંગઠનોના લીડર્સ વચ્ચે બેઠક યોજાઇ હતી.

સૂત્રો અનુસાર 21 સપ્ટેમ્બરના રોજ ISIના અધિકારીઓ અને આતંકી સંગઠનો વચ્ચે ખૂબ જ ગોપનીય બેઠક યોજાઇ હતી. આ બેઠકને લઇને ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરેલું છે. જાણવા મળ્યા અનુસાર ISI અને આતંકીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે આતંકી હુમલો કરવાનો કારસો ઘડાયો છે. બેઠકમાં કાશ્મીરમાં વધારે લક્ષિત હત્યા કરવાનું નક્કી કરાયું છે.

હુમલાઓની જવાબદારી લેવા માટે નવા નવા નામોથી આતંકી સંગઠનો તૈયાર કરાઇ રહ્યાં છે. આ સંગઠનો હુમલાઓની જવાબદારી સ્વીકારીને તપાસ એજન્સીઓને ગુમરાહ કરશે. મીટિંગમાં પોલીસના ખબરીઓ, સુરક્ષા દળો સાથે કામ કરનારાઓ, ગુપ્તચર વિભાગોમાં કામ કરતા કાશ્મીરીઓની હત્યા કરવાનું નક્કી કરાયું હતું.

તે સિવાય જમ્મુ કાશ્મીરમાં બિન કાશ્મીરી લોકો, ભાજપ-સંઘ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આઈએસઆઈ દ્વારા 200 પ્રાથમિક લોકોનું હિટ લિસ્ટ બનાવવામાં આવેલું છે જેમની હત્યા દ્વારા સનસનાટી મચાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમાં કાશ્મીરી પંડિતોના નામ પણ સામેલ છે જે પંડિતોની ઘરવાપસીને લઈ સક્રિય છે.