- ભારતની વિદેશ નીતિને લઇને ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ કરી સ્પષ્ટતા
- ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સરહદે શાંતિ સ્થાપવી અનિવાર્ય
- આર્થિક સંબંધો મજબૂત કરવા પણ લદાખ સરહદે વિવાદ ઉકેલવો પડશે
નવી દિલ્હી: ભારતની વિદેશ નીતિને લઇને ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ ઇન્વેસ્ટર્સ સમિટમાં સંબોધન કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે, ભારતે ચીનને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા હશે તો સરહદે શાંતિ સ્થાપવી અનિવાર્ય છે.
જેપી મોર્ગન્સ ઇન્ડિયા ઇન્વેસ્ટર સમિટમાં દેશની વિદેશ નીતિ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ કહ્યું હતું કે, ભારત-ચીનના સંબંધો મજબૂત બનાવવા હશે તો સૌથી પહેલાં સરહદે શાંતિ સ્થાપવી અનિવાર્ય છે. ભારતે આ નીતિ ચીન સમક્ષ સ્પષ્ટ કરી દીધી છે. જો ચીન ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવાની ધારતું હશે તો સૌથી પહેલાં લદાખ સરહદે વિવાદો ઉકેલવા પડશે. એ વગર અન્ય સંબંધો વિકસિત થશે નહીં.
અફઘાનિસ્તાન અંગે તેમણે કહ્યું હતું કે ભારતના હિતો પણ એમાં જોડાયેલા છે એટલે ભારત બદલાતી સ્થિતિ પર નજર રાખે છે. ભારતની સરહદોની રખેવાળીને ભારતની વિદેશનીતિમાં પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ભારત પૂર્વની સરહદોના પડકારો ઝીલવા કટિબદ્ધ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમેરિકાના પ્રમુખ જો બાઇડને ક્વાડની બેઠકમાં ભારતને આમંત્રિત કર્યું છે. અમેરિકાના આમંત્રણથી ભારત ચોક્કસ એમાં સહભાગી થશે. એમાં ચાર દેશો રચનાત્મક બાબતોની ચર્ચા કરશે. કનેક્ટિવિટી, બુનિયાદી વિકાસ, ક્લાઇમેટ ચેન્જ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી બાબતો અંગે સહકાર વધારવા ભારત પ્રતિબદ્વ છે.
ચીનના વર્ચસ્વને રોકવા માટે અમેરિકા ઓસ્ટ્રેલિયાને બ્રહ્માસ્ત્ર કહેવાતી ટામહાક પરમાણુ મિસાઇલ આપશે. અમેરિકા-ઓસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચે ઓક્સ નામનું સંગઠન બન્યું તે હિંદ અને પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વિસ્તારવાદનો જવાબ આપશે. એ માટે અમેરિકા ઓસ્ટ્રેલિયાને સૌથી શક્તિશાળી ટામહાક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ કરશે.