- પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો
- નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ કમિટી આ મામલે કરશે તપાસ
- ગોપનીયતાના મૂળભૂત અધિકાર પર તપાસ થાય તે આવશ્યક છે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. CJIની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં આ સમગ્ર કેસની તપાસ એક કમિટી દ્વારા કરવામાં આવશે જેની અધ્યક્ષતા નિવૃત્ત જજ કરશે.
આપને જણાવી દઇએ કે થોડાક દિવસો પહેલા સમગ્ર દેશમાં પેગાસસ જાસૂસી મામલોથી હડકંપ મચ્યો હતો. તેમાં સરકાર પર એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે સરકાર લોકોની જાસૂસી કરાવી રહી છે. આ મુદ્દે તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અનેક વકીલોએ જાહેર હિતની અરજી કરી હતી અને આજે હવે આ મામલે ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે અમે એક નિષ્ણાત સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે.
આ મામલાની તપાસ કમિટી જ કરશે અને તેના દ્વારા જ આ મામલે તથ્યને શોધવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદા દરમિયાન કહ્યું હતું કે, ગોપનીયતાના મૂળભૂત અધિકાર પર તપાસ થાય તે આવશ્યક છે અને વિદેશી એજન્સીઓ દ્વારા ભારતીયોની જાસૂસી એ એક ગંભીર મામલો ગણી શકાય.
આ સમગ્ર કેસની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ R V રવિન્દ્રન કરશે. તેમની અધ્યક્ષતામાં આલૉ જોશી અને સંદીપ ઓબેરોય સહિત ત્રણ લોકોની કમિટી આ આરોપો પર આઠ સપ્તાહમાં સંપૂર્ણ તપાસ કરશે અને ત્યારબાદ કોર્ટમાં તેનો રિપોર્ટ જમા કરશે.