- કાલથી 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે
- સરકારના કોવિન પ્લેટફોર્મ ઉપર 24 તારીખથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે
- આગામી 48 કલાકમાં આ સાઇટ રજીસ્ટ્રેશન માટે ઓપન થશે
નવી દિલ્હી: દેશમાં કોરોનાના રસીકરણને વેગવાન બનાવવાના હેતુસર કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ માટેની નોંધણી 24 એપ્રિલના રોજ શરૂ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારના કોવિન પ્લેટફોર્મ ઉપર 24 તારીખથી રસી મુકવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આગામી 48 કલાકમાં આ સાઇટ રજીસ્ટ્રેશન માટે ખુલી જશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વેક્સીનેશનના નવા નિયમો અનુસાર રાજ્યની ખાનગી સંસ્થાઓ રસીકરણ માટે કંપનીઓ પાસેથી સીધા જ રસીના ડોઝની ખરીદી કરી શકશે. ભારતમાં હાલમાં કોવિશિલ્ડ તેમજ કોવેક્સિન એમ બે રસી વેક્સિનેશન માટે ઉપલબ્ધ છે અને હવે મે મહિનામાં રશિયાની સ્પુતનિક-5 પણ લોન્ચ થશે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, જો તમે લોકો 18 વર્ષથી વધુ ઉંમરના છો તો વેક્સિન લેવા માટે તૈયાર થઇ જાઓ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બહુ જલ્દી વેક્સિનેશન શરૂ થશે. કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક છે પરંતુ સરકાર તેમજ સમાજ એકજૂટ થઇને કામ કરશે તો કોરોના વાયરસની નવી લહેર પર કાબૂ મેળવી શકીશું.
દેશમાં ઓક્સિજન અને ગંભીર સારવારની જરુર પડે તેવા દર્દીઓની સંખ્યા બે દિવસમાં ઓછી થઈ છે.
(સંકેત)