- પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ વચ્ચે તામિલનાડુ સરકારની જાહેરાત
- તામિલનાડુ સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડાનો નિર્ણય લીધો
- તામિલનાડુમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો થશે
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં જ્યારે પેટ્રોલ-ડિઝલની કિંમત આકાશને આંબી રહી છે ત્યારે હવે તામિલનાડુ સરકારે લોકોને મોટી રાહત આપી છે. તામિલનાડુ સરકારે પેટ્રોલની કિંમત ઓછો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે પોતાના બજેટમાં પેટ્રોલના ભાવને ઓછા કરવાની જાહેરાત કરી છે. તામિલનાડુમાં હવે પેટ્રોલના ભાવ 3 રૂપિયા ઘટી જશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર તામિલનાડુના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજે પેપરલેસ બજેટને રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે પેટ્રોલ પર લાગતી સ્ટેટ એક્સાઇઝ ડ્યૂટીમાં 3 રૂપિયાના કાપની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણયથી તામિલનાડુમાં પેટ્રોલ 3 રૂપિયા સસ્તુ થઇ જશે. જો કે તેનાથી રાજ્ય સરકારને વાર્ષિક 1160 કરોડ રૂપિયાની ખોટ જશે.
ચેન્નાઇમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા તેમજ ડીઝલનો ભાવ 94.39 રૂપિયા પ્રતિ લિટર રહ્યો. વિધાનસભામાં બજેટ પાસ થયા બાદ હવે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો આવી શકે છે. મે 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.
હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ સહિત લગભગ 15 રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર આસપાસ છે.
પેટ્રોલની કિંમત તેના આધાર મૂલ્ય ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલાતા ટેક્સના આધારે પણ નક્કી થાય છે. મળતી માહિતી મુજબ તમિલનાડુના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજને હાલમાં જ કહ્યું હતું કે હાલની સ્થિતિમાં વેટ ઓછું કરવું શક્ય નથી જો કે હવે બજેટમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો કાપ મૂકીને લોકોને મોટી રાહત આપી છે.
નોંધનીય છે કે,તામિલનાડુ સરકાર દ્વારા ઇંધણના ભાવમાં ઘટાડા બાદ હવે અન્ય રાજ્યો પર પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવા માટે દબાણ આવશે. જેના કારણે આગામી કેટલાક દિવસોમાં અન્ય રાજ્યો પણ ભાવ ઓછા કરવાની જાહેરાત કરી શકે છે.