- ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ
- આજે બંને દેશો વચ્ચે 375 મિલિયન ડોલરનો સોદો થશે
- આ બાદ ફિલિપાઇન્સથી ચીન પણ ડરશે
નવી દિલ્હી: ભારતની સૌથી શક્તિશાળી અને ઘાતક બ્રહ્મોસ મિસાઇલ હવે અન્ય દેશોના સૈન્યમાં પણ ધીરે ધીરે સ્થાન બનાવી રહી છે. હવે ફિલિપાઇન્સ તેની નેવી માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી રહ્યું છે. શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઇલના વેચાણ માટે યુએસ 375 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કરશે. આ સોદા પર હસ્તાક્ષર સમયે ફિલિપાઇન્સના ટોચના સંરક્ષણ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ભારતનું પ્રતિનિધિત્વ તેના રાજદૂત કરશે.
ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી જળ ક્ષેત્રને લઇને તણાવ જોવા મળી રહ્યો છે. ફિલિપાઇન્સના દાવા છતાં ચીન ત્યાંથી જવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં તે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદીને પોતાના નૌકાદળને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સોદાથી ચીનને મોટો ઝટકો લાગશે. બ્રહ્મોસ એવી ખતરનાક મિસાઇલ છે જેનાથી ચીન જેવા દેશો પણ થરથર કાંપે છે.
બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલની તાકાત એ છે કે તે 350 થી 400 કિમીની રેંજમાં દુશ્મનો પર પ્રહાર કરી શકે છે. દુશ્મનોના મનસૂબા પર પાણી ફેરવવા માટે માત્ર એક બ્રહ્મોસ પણ પૂરતી છે. આ મિસાઇલને મેક 2.8 એટલે કે અવાજની ઝડપે લગભગ 3 ગણી ઝડપે છોડવામાં આવી શકે છે. તાજેતરમાં તેના નવા વર્ઝનનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓડિશાના દરિયાકાંઠે 20 જાન્યુઆરીએ તેનું સફળ પરીક્ષણ કરાયું હતું. ટેકનિકલ રીતે આ મિસાઇલ નવા ફીચર્સથી સજ્જ છે.