નવા વર્ષે ધરતીપુત્રોને મોદી સરકાર આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો કરશે જાહેર
- નવા વર્ષે મોદી સરકાર અન્નદાતાઓને આપશે મોટી ભેટ
- 1 જાન્યુઆરીએ પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કરશે
- લાભાર્થીઓને આ માટેનો મેસેજ પણ મોકલવામાં આવ્યો છે
નવી દિલ્હી: નવા વર્ષે ખેડૂતોને મોદી સરકાર તરફથી મોટી ભેટ મળવા જઇ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ 10માં હપ્તાની પ્રતિક્ષઆ કરી રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવાનો છે. પીએમ કિસાન સન્માન નિધિ હપ્તાની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. લાભાર્થીઓને તેનો મેસેજ પણ મોકલવામાં આવ્યો છે.
પીએમ મોદી નવા વર્ષના પ્રથમ દિવસે જ એટલે કે 1 જાન્યુઆરી, 2022ના રોજ બપોરે 12 વાગ્યે પીએમ કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરશે. સંદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તે જ દિવસે પીએણ મોદી ખેડૂત ઉત્પાદક સંગઠનોને ઇક્વિટી ગ્રાન્ટ પણ જારી કરશે.
આપને જણાવી દઇએ કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના લક્ષ્ય સાથે મોદી સરકારે વર્ષ 2014માં પીએમ-કિસાન યોજના શરૂ કરી છે. જે હેઠળ રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે. જે પ્રત્યેક રૂ. 2000/-ના ત્રણ સમાન 4માસિક હપ્તાહમાં ચૂકવણી કરવામાં આવે છે. ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
તે ઉપરાંત કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ લગભગ 351 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) માટે બહાર પાડશે, જેનો લાભ 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.