Site icon Revoi.in

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત, કહ્યું – અમે ભારતને વિશ્વાસપાત્ર મિત્ર અને મહાશક્તિ તરીકે જોઇએ છીએ

Social Share

નવી દિલ્હી: ભારતના મિત્ર એવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અત્યારે ભારતના પ્રવાસે છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું વિશેષ વિમાન ઉતર્યું હતું. કોવિડના ફરીથી વધતા પ્રકોપને જોતા પુતિનની મુલાકાતને ટૂંકી રાખવામાં આવી છે. ભારતની મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીને મળ્યા હતા. હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મુલાકાત કરી હતી.

બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

મુલાકાત દરમિયાન પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બંને દેશો વચ્ચેનો રક્ષા સહયોગ વધુ મજબૂત આકાર લઇ રહ્યો છે. આર્થિક તેમજ રક્ષા ક્ષેત્રમાં બંને દેશો પરસ્પર મહત્વના સહયોગી છે. કોવિડ રોગચાળા દરમિયાન અમારો સહયોગ રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં પણ અમારા સંબંધોને આગળ વધારવા માટે અમે દૂરંદેશી સાથે કામ કરી રહ્યા છે. અમે 2025 સુધી 30 બિલિયન ડોલર ટ્રેડ અને 50 બિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે.

પીએમ મોદી બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, અમે ભારતને એક વિશ્વાસપાત્ર મિત્ર અને મહાન શક્તિ તરીકે જોઇએ છીએ. કોવિડ રોગચાળા દરમિયાન ઉભા થયેલા અનેક પડકારો છતાં ભારત અને રશિયાના સંબંધોમાં વિકાસની ગતિ વણથંભી છે. અમારી વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઇ રહી છે.

હૈદરાબાદ હાઉસમાં રાત્રિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે 9.30 કલાકે ફરી રશિયા જવા માટે રવાના થશે. મુલાકાત દરમિયાન અનેક તકેદારી રાખવામાં આવી છે.

પુતિનની ભારત મુલાકાતથી ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા દેશોને મોટો સંદેશો જશે અને આ મુલાકાત આ બંને દેશને પણ ખુંચી રહી છે. આ મુલાકાતથી ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો તો વધુ ગાઢ બનશે અને ભારતની તાકાત પણ વધશે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભારત આવવા માટે ખાસ ભેટ લઇને આવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને S 400નું મોડલ રજૂ કરશે. આ બધુ એ સમયે થઇ રહ્યું છે જ્યારે ભારત અને રશિયા વચ્ચે S400 એર ડિફેન્સ સિસ્ટમની પાંચમાંથી બે સિસ્ટમ રશિયાથી ભારતને ડિલિવરી માટે મોકલવામાં આવી છે.

અગાઉ, ભારત અને રશિયાએ પ્રથમ વખત 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો યોજી હતી જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર ઉપરાંત રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ભાગ લીધો હતો.