- તાજિકિસ્તાનમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકને પીએમ મોદીએ સંબોધિત કરી
- અફઘાનિસ્તાનની તાજેતરની ઘટનાઓએ વર્તમાન સ્થિતિને વધુ સ્પષ્ટ કરી છે
- મધ્ય પૂર્વમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદ સામે લડવા માટે SCO એ એક સામાન્ય રોડમેપ વિકસાવવો જોઈએ
નવી દિલ્હી: તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને પીએમ મોદીએ ડિજીટલ માધ્યમથી સંબોધી હતી, તેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાને કરી હતી. સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓએ વર્તમાન સ્થિતિને વધુ સ્પષ્ટ કરી છે. SCOએ આ અંગે સક્રિય પગલાં લેવાની આવશ્યકતા છે.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આ વર્ષે આપણે SCOની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. નવા મિત્રો અમારી સાથે જોડાઇ રહ્યા છે અને હું ઇરાનને અમારા નવા ભાગીદાર તરીકે આવકારું છે. હું સાઉદી અરેબિયા, કતાર અને ઇજિપ્તને નવા સંવાદ ભાગીદારો તરીકે પણ આવકારું છે.
આ ક્ષેત્રમાં મુખ્ય પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ પડકારોનું મુખ્ય કારણ વધતો કટ્ટરવાદ છે. અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓએ વર્તમાન પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરી છે. SCO એ આ અંગે સક્રિય પગલાં લેવાની જરૂર છે.
‘જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, આપણને જણાશે કે મધ્ય એશિયાનો પ્રદેશ મધ્યમ અને પ્રગતિશીલ સંસ્કૃતિ અને મૂલ્યોનો ગઢ રહ્યો છે. સૂફીવાદ જેવી પરંપરાઓ અહીં સદીઓથી વિકસિત થઈ અને સમગ્ર પ્રદેશ અને વિશ્વમાં ફેલાઈ ગઈ. આ પ્રદેશના સાંસ્કૃતિક વારસામાં તેમની છબી આપણે હજુ પણ જોઈ શકીએ છીએ.
‘મધ્ય પૂર્વમાં કટ્ટરપંથી અને ઉગ્રવાદ સામે લડવા માટે SCO એ એક સામાન્ય રોડમેપ વિકસાવવો જોઈએ. ભારત સહિત SCO માં દરેક દેશમાં ઉદાર, સહિષ્ણુ અને સમાવેશી સંસ્થાઓ અને ઇસ્લામ સંબંધિત પરંપરાઓ છે. એસસીઓએ આ સંસ્થાઓ વચ્ચે મજબૂત નેટવર્ક બનાવવા માટે કામ કરવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યું, ‘અમે એસસીઓની અધ્યક્ષતામાં ભારત દ્વારા પ્રસ્તાવિત પ્રવૃત્તિઓના કેલેન્ડરમાં તમામ એસસીઓ દેશોના સહયોગ અને સમર્થનની આશા રાખીએ છીએ. ઉગ્રવાદ સામેની લડાઈ માત્ર પ્રાદેશિક સુરક્ષા અને આંતર વિશ્વાસ માટે મહત્વની નથી, તે આપણા યુવાનોના ભવિષ્ય માટે પણ મહત્વની છે.