નવી દિલ્હી: આજે અયોધ્યા વિકાસ યોજના અંગે પીએમ મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકનું આયોજન થયું હતું. બેઠક દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને વિઝન ડોક્યુમેન્ટ પણ જોવામાં આવ્યું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બેઠક દોઢ કલાક ચાલી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ અયોધ્યાના વિઝન દસ્તાવેજ જોયા હતા. આ બેઠકમાં સીએમ યોગી ઉપરાંત ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશ પ્રસાદ મોર્ય સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન હાઉસિંગ ડેવલપમેન્ટના ચીફ સેક્રેટરીએ પીએમ સમક્ષ અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. વડાપ્રધાનને અત્યાર સુધીમાં કેટલું કામ પૂર્ણ થયું છે અને હજુ કેટલું કામ કરવાનું બાકી છે તેની જાણકારી આપવામાં આવી હતી.
આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને યુપી હાલ ફોકસમાં છે. અયોધ્યામાં 1200 એકર જમીનમાં વૈદિક શહેર અને 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.
રામ નગરીના વિકાસ દરમિયાન કોઇ ભૂલચુક ના થાય એટલે પીએમ મોદી પોતે કામકાજ પર ધ્યાન આપી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનાથી સલાહકાર એજન્સી અયોધ્યામાં વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દસ્તાવેજ માટે અત્યારસુધીમાં લગભગ 500 લોકોની સલાહ લેવામાં આવી છે. જેથી રામ નગરની વિકાસ સારી રીતે થઇ શકે.
સરકાર અયોધ્યાની આસપાસના સ્થળોના વિકાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તે એક પ્રયાસ છે કે અયોધ્યાને આધુનિક બનાવવાની સાથે સાથે તેનું જૂનું સ્વરૂપ પણ અકબંધ રહેવું જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
લગભગ 20 હજાર કરોડ રૂપિયા અયોધ્યાની ભવ્યતા પાછળ ખર્ચ થશે. અયોધ્યાને આધુનિક પર્યટન સ્થળ બનાવવાની સાથે લોકોને નોકરી-રોજગાર પણ મળશે.