Site icon Revoi.in

બલરામપુરમાં 9800 કરોડની પરિયોજનાઓનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – ભારત દરેક પડકારો ઝીલવા પ્રતિબદ્વ

Social Share

નવી દિલ્હી: બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ પરિયોજનાનો કુલ અંદાજીત ખર્ચ 9800 કરોડ રૂપિયાની આસપાસ છે. આ યોજનાથી ખાસ કરીને 9 જીલ્લાના 29 લાખ ખેડૂતો લાભાન્વિત થશે.

બલરામપુરના મહાત્મ્ય વિશે વાત કરતા મોદીએ કહ્યું કે, બલરામપુર એ ક્રાંતિકારીઓની ભૂમિ છે. જ્યારે પણ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરના નિર્માણની વાત થશે ત્યારે બલરામપુરના રાજા પટેશ્વરી પ્રસાદની વાત ચોક્કસપણે થશે. બલરામપુરે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને પણ ગઢ્યા છે.

તેઓ રેલીમાં સંબોધન દરમિયાન CDS બિપિન રાવતને શબ્દાંજલિ આપતા કહ્યું હતું કે,  CDS બિપિન રાવતને સલામ. એક સૈનિક જ્યાં સુધી સેનામાં રહે છે ત્યાં સુધી તે સૈનિક નથી હોતો. દેશના સન્માન અને ગૌરવ માટે તે હંમેશા તત્પર રહે છે. ન તો શસ્ત્રો તેને તોડી શકે છે અને ન તો આગ તેને બાળી શકે છે. જનરલ બિપિન રાવત જ્યાં પણ હશે ત્યાં તેઓ ભારતને આગળ વધતું જોશે.

ભારત સામે આવનારા દરેક પડકારો સામે આગેકૂચની પ્રતિબદ્વતા દર્શાવતા પીએમ મોદીએ હુંકાર કર્યો હતો કે, ભારત રોકાશે નહીં, સાથે મળીને મહેનત કરીશું અને દરેક પડકારોનો ખંતપૂર્વક સામનો કરીશું. સરયુ કેનાલ નેશનલ પ્રોજેક્ટ સંપન્ન થયું એ એ વાતનું દ્રષ્ટાંત છે કે જ્યારે વિચારો પ્રામાણિક હોય ત્યારે કામ ચોક્કસપણે પૂર્ણ થાય છે. પાણીની અછત દેશના વિકાસમાં ક્યારેય અવરોધરૂપ ના બનવી જોઇએ. આ યોજનાથી 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા અન્નદાતાઓ લાભાન્વિત થશે.

પ્રોજેક્ટ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, 50 વર્ષ પહેલા આ પ્રોજેક્ટનો પ્રારંભ થવા સમયે ખર્ચ 100 કરોડ રૂપિયાથી ઓછો હતો અને આજે લગભગ 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચ બાદ આ પ્રોજેક્ટની પૂર્ણાહુતિ થઇ છે. જે કામ પહેલા 100 કરોડમાં થવાનું હતું તે 10 હજાર કરોડમાં થયું. તમારી મહેનતનો દરેક રૂપિયો યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવા માટે હોવો જોઇએ. તમારા પૈસા બગાડનારાઓને સજા થવી જોઇએ.