Site icon Revoi.in

પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્વાંજલિ આપી, કહ્યું – ‘રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ’

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉત્સાહભેર અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યો છે. આ પર્વ પર પીએમ મોદીએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ઉપરાંત લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિતના નેતાઓએ તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

સરકારે સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને ધ્યાનમાં રાખીને સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે આજથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેને આ વર્ષથી પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પીએમ મોદીએ ટ્વિટ મારફતે શ્રદ્વાંજલિ આપતા લખ્યું કે, પરાક્રમ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની 125મી જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્વાંજલિ. રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન પર દરેક ભારતીયને ગર્વ છે.

અગાઉ પીએમ મોદીએ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવેશે તેવું એલાન કર્યું હતું. પીએમ મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે.

નેતાજીની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ કોવિંદે લખ્યું કે, ભારત નેતાજીને શ્રદ્વાંજલિ અર્પિત કરે છે. સ્વતંત્ર ભારતના વિચાર પ્રત્યેની તેમની પ્રતિબદ્વતાને પૂર્ણ કરવા માટે નેતાજીએ લીધેલા સાહસિક પગલાં તેમને રાષ્ટ્રના આદર્શ બનાવે છે. નેતાજીના આદર્શો અને બલિદાન દરેક ભારતીયને પ્રેરિત કરતા રહેશે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત મમતા બેનર્જીએ પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી હતી. બંગાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક ચિહ્ન તરીકે નેતાજીનો ઉદય ભારતીય ઈતિહાસમાં અજોડ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ દેશભક્તિ, સાહસ, નેતૃત્વ, એકતા અને ભાઈચારાનું પ્રતિક છે.