પીએમની સુરક્ષામાં છીંડાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી
- પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ પહોંચ્યા
- આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે
- સુરક્ષામાં ચૂક બાદ પીએમ મોદીએ પંજાબનો પ્રવાસ રદ્ કરવો પડ્યો હતો
નવી દિલ્હી: બુધવારે પંજાબના પ્રવાસ માટે ગયેલા પીએમ મોદીના કાફલાને સુરક્ષામાં છીંડા હોવાને કારણે પરત ફરવાની ફરજ પડી હતી ત્યારે હવે પીએમ મોદીની સુરક્ષામાં છીંડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરશે. કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા માટે કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મંદિર સિંહે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ પીએમની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવ્યો હતો, મનિંદર સિંહે કહ્યું કે, ભાવિમાં આવી ઘટના ફરી ન બને તેવી ખાતરી કરવી જોઇએ.
પીએમની પંજાબની મુલાકાત દરમિયન સુરક્ષામાં મોટી ચૂક થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટના બાદ ભાજપે ચન્ની સરકાર પર આ ચૂક માટે પ્રહારો કર્યા હતા. આ ઘટનાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, પંજાબના ભઠિંડા અને ફિરોજપુરમાં પીએમ મોદી રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ મેમોરિયલથી 30 કિમી દૂર એક ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઇને SPG એક્શનમાં આવી હતી અને પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ત્યાં અટવાઇ ગયો હતો.