છોકરીઓની લગ્ન માટેની વય વધારવાનો નિર્ણય આવકારદાયક, તેનાથી છોકરીઓને કારકિર્દી ઘડવાનો સમય મળશે: પીએમ મોદી
- પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ
- આ દરમિયાન તેમણે છોકરીઓની લગ્નની વય વધારાવાના નિર્ણયને આપ્યું સમર્થન
- તેનાથી છોકરીઓને કારકિર્દી બનાવવાની તક મળશે: પીએમ મોદી
નવી દિલ્હી: આજે પીએમ મોદી હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છોકરીઓની લગ્ન માટેની ઉંમર વધારવાના નિર્ણયને લઇને કહ્યું હતું કે, તેનાથી છોકરીઓને ભણવામાં અને કારકિર્દી બનાવવામાં વધુ સમય મળશે.
પીએમ મોદીએ કેન્દ્ર સરકારના છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, અમારી સરકારે નક્કી કર્યું છે કે, છોકરીઓના લગ્નની ઉંમર પણ છોકરાઓ જેટલી જ હોવી જોઇએ. 21 વર્ષની ઉંમરે લગ્નની ઉંમર છોકરીઓને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની તેમજ કારકિર્દી બનાવવાની તક પૂરી પાડશે.
પીએમ મોદીએ આ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, રાજ્યમાં વિકાસના બે મોડેલ ચાલી રહ્યા છે. એક મોડેલ, સૌનો સાથ અને સૌનો વિકાસ છે. બીજું મોડેલ સ્વાર્થ અને પારિવારિક હિત છે. હિમાચલ પ્રદેશ સરકાર પહેલા વિકાસ મોડેલ પર કામ કરી રહી છે અને તે હેઠળ તેણે રાજ્યમાં વિકાસ કાર્યને આગળ વધાર્યું છે.
નોંધનીય છે કે, પીએમ મોદીએ અહીંયા રેણુકા ડેમ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ ઉત્તરાખંડને 11000 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ આપી હતી. આ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ દાયકાથી પેન્ડિંગ હતો. આ પ્રોજેક્ટ માટે હિમાચલ પ્રદેશ, યુપી, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને દિલ્હને એકસાથે લાવવાનું કામ કર્યું છે. અહીં 7,000 કરોડના ખર્ચે 40 મેગાવોટના પ્રોજેક્ટ બનાવવામાં આવશે.