- પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને નોંધાઇ FIR
- ગૃહ મંત્રાલયે 13 અધિકારીઓને બોલાવ્યા
- IPCની કલમ 283 હેઠળ નોંધાઇ FIR
નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને આજે સુપ્રીમમાં થયેલી સુનાવણી બાદ તપાસ એજન્સીઓ એક્શનમાં છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એક ટીમ આજે ફિરોઝપુર ગઇ હતી અને ફ્લાયઓવર પર પીએમ મોદીની સુરક્ષામાં ચૂકની ઘટનાનું રિક્રિએશન કર્યું હતું. ફિરોઝપુર પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્વ FIR નોંધી છે અને તપાસ આગળ ધપાવી છે.
IPCની કલમ 283 હેઠળ પંજાબ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્વ કેસ નોંધ્યો છે. વડાપ્રધાન મોદીના કાફલાને રોકનારાઓએ પોતાનો વીડિયો બનાવીને આ વાતની પુષ્ટિ કરી હતી. એક વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ભારતીય કિસાન સંઘ દ્વારા પીએમ મોદીનો રસ્તો રોકવા લોકોને બોલાવીને ભીડ એકત્ર કરી હતી અને આ સમગ્ર પૂર્વનિયોજીત રીતે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીની સુરક્ષામાં આટલી મોટી લાપરવાહી બાદ એક તરફ ગૃહ મંત્રાલય દ્વારા ગઠિત ટીમ તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ પંજાબ સરકાર દ્વારા રચિત 2 સભ્યોની ટીમ પણ તપાસ કરી રહી છે. જો કે આમ છતાં પોલીસ રસ્તો બ્લોક કરનાર વિરુદ્વ કાર્યવાહી કરવાને બદલે અજાણ્યા શખ્સો વિરુદ્વ ગુનો નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલામાં ગૃહ મંત્રાલય દ્વારા પંજાબના 13 અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાં ડીઆઈજી અને એસએસપી રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.