- યુપીમાં મહિલાઓને મોદી સરકારની ભેટ
- પીએમ મોદીએ મહિલા સ્વ-સહાય જૂથને 1000 કરોડ ટ્રાન્સફર કર્યા
- ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો
નવી દિલ્હી: યુપીમાં મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ પ્રયાગરાજમાં 1.60 લાખ મહિલા સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા છે. પીએમ મોદી અત્યારે પ્રયાગરાજની મુલાકાતે છે ત્યારે તેઓએ ત્યાં મહિલા સશક્તિકરણ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓએ સ્વ-સહાય જૂથોના બેંક ખાતામાં 1000 કરોડી રકમ ટ્રાન્સફર કરી હતી તેમજ 202 ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો.
મહિલા સશક્તિકરણ સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગત વર્ષે કુંભમાં અમે પાવન ધરતી પર આવ્યા હતા અને સંગમમાં ડૂબકી લગાવીને અલૌકિક આનંદ થયો હતો. આપણી માતૃશક્તિનું પ્રતિક એવી આ તીર્થનગરી માતા ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ રહ્યું છે. માતાઓ અમને આશીર્વાદ આપવા આવી છે એ અમારું સૌભાગ્ય કહી શકાય.
યુપીમાં મહિલાલક્ષી વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ યુપીમાં મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટેના થઇ રહેલા કાર્યોનો સાક્ષી બન્યો છે. આજે મને મુખ્યમંત્રી સુમંગલા યોજનાની લાખો મહિલાઓના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાની તક સાંપડી. યુપીમાં શરૂ થયેલ બેંક સખીનું અભિયાન પણ મહિલાઓના જીવનમાં ફેરફાર લાવી રહ્યું છે.
બેંક તમારા ગામ સુધી સહુલિયત પૂરી પાડે છે. યુપી સરકારે આ બેંક મિત્રો પર 75 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનની જવાબદારી સોંપી છે. ગામમાં મહત્તમ વ્યવહારોથી, આવક પણ વધશે. આ મહિલાઓનું થોડા દિવસ પહેલા બેંકમાં ખાતુ ન હતું અને આજે તેમનું પોતાનું બેંક ખાતુ છે.