Site icon Revoi.in

રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી, પીએમ મોદીએ કહ્યું – હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર

Social Share

નવી દિલ્હી: આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઓતપ્રોત છે. સરદાર પટેલની 146મી જન્મજયંતિ પર પીએમ મોદીએ તેમને નમન કર્યા હતા. પીએમ મોદીએ એક રેકોર્ડેડ મેસેજ મારફતે સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ રેકોર્ડેડ મેસેજ મારફતે કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશવાસીઓને ખૂબ સારી શુભકામનાઓ. એક ભારત અને શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળોને જેણે રાષ્ટ્ર માટે સમર્પિત કરી એવા રાષ્ટ્ર નાયક સરદાર પટેલને આજે સમગ્ર દેશ શ્રદ્વાંજલિ આપી રહ્યો છે. આજે દેશભરમાં એક્તાનો સંદેશો લઇને આપણા સાથીઓ આગેકૂચ કરી રહ્યાં છે. દેશની અખંડિતતા પ્રત્યે આપણે દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રીય એક્તા દિવસના આયોજનના સાક્ષી બન્યાં છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલજી ફક્ત ઇતિહાસમાં નહીં પરંતુ આપણા દેશવાસીઓના પણ હૃદયમાં સ્થાન ધરાવે છે. ધરતીના જે ભૂ ભાગ પર આપણે 130 કરોડ ભારતીયો રહીએ છીએ, તે આપણી આત્મા, સપના, આકાંક્ષાઓનો અખંડ ભાગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રનો જે મજબૂત પાયો રચાયો છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્વ કરી છે.

આઝાદીનો આ અમૃતકાળ વિકાસની અભૂતપૂર્વ ગતિનો છે. કપરા લક્ષ્યો સિદ્વ કરવાનો છે. આ અમૃતકાળ સરકાર સાહેબના સપનાના ભારતના નવ નિર્માણનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરતા આજે દેશમાં સામાજીક, આર્થિક, બંધારણીય એકીકરણનો મહાયજ્ઞ ચાલુ છે. જળ, થળ, નભ, અંતરીક્ષ દરેક મોરચે ભારતનું સામર્થ્ય અને સંકલ્પ અભૂતપૂર્વ છે. પોતાના હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર નીકળી પડ્યું છે.