- પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની ઘરવાપસી માટે પ્રયાસો તેજ
- ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં પ્રયાસ કરી રહી છે
- CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઇકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે
નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી વેપારી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ છે. ભારત સરકાર હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઇકોર્ટમાં પ્રયાસ કરી રહી છે.
સૂત્રોનુસાર CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઇકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે. સોગંદનામામાં મેહુલ ચોક્સીની Habeas Corpus અરજીમાં તેમણે પણ પક્ષકાર બનાવવાની અપીલ કરી છે. હાલમાં ચોક્સીની ઘર વાપસી માટે CBI અને વિદેશ મંત્રાલય સંયુક્તપણે કામ કરી રહ્યા છે. CBI અધિકારી, અપરાધિક જવાબદારી, ભાગેડૂ કેસોની સ્થિતિ, તેમના વિરુદ્વ પેન્ડિંગ વોરન્ટ, રેડ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
બીજી તરફ વિદેશ મંત્રાલય કોર્ટમાં એવો તર્ક રજૂ કરશે કે ચોક્સીની ભારતીય નાગરિકતા જળવાઇ રહેશે. સૂત્રોનુસાર જો એફિડેવિટ સ્વીકારી લેવાશે તો પ્રસિદ્વ વકીલ હરીશ સાલવે ડોમિનિકામાં ભારતનો પક્ષ રજૂ કરશે.
આ અગાઉ ડોમિનિકા હાઈકોર્ટે ગેરકાયદેસર એન્ટ્રી મામલે શુક્રવારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જામીન આપવાની ના પાડી દીધી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ચોક્સીના ભાગી જવાથી જોખમ રહેલું છે. ચોક્સી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હાઈકોર્ટમાં ગયો હતો. ભાગેડુ મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં નાગરિક તરીકે રહી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે મેહુલ ચોક્સી ભારતમાં ગીતાંજલી જેમ્સ, અને અન્ય જાણીતી હીરા જ્વેલરી બ્રાન્ડ્સનો માલિક હતો. તેણે પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું અને કૌભાંડ બહાર આવતાના ગણતરીના અઠવાડિયા પહેલા દેશમાંથી બહાર ભાગી ગયો.