- કોરોનાને કારણે ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક બની
- કોરોના મહામારીને કારણે ગત વર્ષે 7.5 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા
- દેશમાં ગરીબોનો આંકડો 5.9 કરોડથી વધીને 13.40 કરોડ થયો
નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરથી માણસ હજુ ઉભો નહોતો ત્યાં બીજી લહેરને કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોને ગરીબીની વમણમાં ધકેલી દીધા છે. ભારતમાં ગત વર્ષે 7.5 કરોડ લોકો ગરીબ થઇ ગયા અને તેની સાથે જ દેશમાં ગરીબોનો કુલ આંકડો 5.9 કરોડથી વધીને 13.40 કરોડ અર્થાત્ બે ગણાથી વધુ થઇ ગયો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં મહામારી એવા સમયે આવી જ્યારે દેશમાં 1 દાયકામાં સૌથી ઓછી આર્થિક વૃદ્વિ નોંધાઇ હતી. સુસ્ત અર્થતંત્રથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં સૌથી વધુ અસર જોવા મળી જ્યાં બહુમતી ગ્રાહકો રહે છે. ગામોમાં રહેતા મોટાભાગનાં અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરનારા છે. ગત વર્ષથી તેમને વ્યવસ્થિત કામ નથી મળી રહ્યું. જેથી આવા લોકોને ખાવા-પીવામાં પણ કરકસર કરવી પડી રહી છે.
રિપોર્ટ અનુસાર લોકોને રોજગારી આપનારી મનરેગા જેવી યોજના તેમના કામની માંગને પુરી ન કરી શકી. તમામ લોકો પોતાની ટુંકી આવક પર ગુજરાન ચલાવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર તેજ હોવાના કારણે હાલત એકદમ નિરાશાજનક બની રહી છે.
વ્યૂ રિસર્ચ સેન્ટરના અનુમાન અનુસાર કોરોના બાદ મંદીને લઇને દેશમાં દરરોજ 200 રૂપિયા કે તેથી ઓછુ કમાનારાઓની સંખ્યા છેલ્લા 1 વર્ષમાં 6 કરોડથી વધીને 13.40 કરોડ અર્થાત્ 2 ગણીથી વધુ થઇ ગઇ છે. છેલ્લી વાર સ્વતંત્રતા બાદ પ્રથમ 25 વર્ષમાં ગરીબીમાં વધારો નોંધાયો હતો. ત્યારે વર્ષ 1951 થી 1954ના દોરમાં ગરીબોની વસ્તી કુલ વસ્તીના 47 ટકાથી વધીને 56 ટકા સુધી પહોંચી ગઇ હતી.
હાલના વર્ષોમાં ભારત એક એવા દેશ તરીકે ઉભર્યો હતો, જ્યાં ગરીબી ઘટાડવામાં સૌથી વધુ સફળતા મળી હતી. દેશમાં વર્ષ 2006 થી 2016 દરમિયાન લગભગ 27 કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર લાવવામાં આવ્યા હતા પરંતુ તાજેતરમાં કોરોના મહામારીને કારણે આ સિદ્વિ પર પણ પાણી ફરી વળ્યું હતું.
(સંકેત)