બાંગ્લાદેશના 3 દિવસીય પ્રવાસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવાના, 50માં વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશની ત્રણ દિવસીય મુલાકાત માટે રવાના
- તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપશે
- આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને લઇને પણ ચર્ચા થવાની શક્યતા
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હવે બાંગ્લાદેશના પ્રવાસ માટે રવાના થશે. તેઓ 50માં વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશ જવા રવાના થયા છે. તેમની પ્રથમ ત્રણ દિવસની રાજ્ય મુલાકાત દરમિયાન, તો તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે અને બાંગ્લાદેશની 1971ની પાકિસ્તાનથી સ્વતંત્રતાની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ કોવિંદ 15-17 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પ્રવાસે છે તે વાતની પુષ્ટિ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ. એકે અબ્દુલ મોમેને પણ કરી છે. મોમેને રાષ્ટ્રપતિ કોવિંદની મુલાકાતને સમારોહ-સંબંધિત ગણાવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા થવાની અપેક્ષા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદની સાથે તેમની પત્ની, પુત્રી અને વરિષ્ઠ અધિકારીઓ (President Kovind Bangladesh)પણ હશે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તેમની પત્ની સાથે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના ભારતીય સમકક્ષનું સ્વાગત કરશે.
બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન તેમને એરપોર્ટ પર બાંગ્લાદેશની સેના, નેવી અને વાયુસેનાના જવાનો ગાર્ડ ઑફ ઓનર આપશે. જ્યાંથી તેઓ રાજધાનીની બહાર સાવર ખાતેના રાષ્ટ્રીય સ્મારક સુધી કાફલામાં જશે. રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના નવ મહિના લાંબા 1971ના મુક્તિ સંગ્રામના શહીદોની યાદમાં પુષ્પાંજલિ અર્પણ કરશે અને એક છોડ રોપશે.
બપોરના કાર્યક્રમ પર નજર કરીએ તો ભારતીય રાષ્ટ્રપતિ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના તેમજ વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ હામિદ તેમના સમકક્ષ સાથેની વાતચીત બાદ સાંજે બંગભવન રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે, જેમાં શેખ હસીના પણ ઉપસ્થિત રહેશે.