- દેશના પાંચ રાજ્યોમાં કોરોનાના વધતા કેસ બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં
- આરોગ્ય મંત્રાલય દેશમાં વેક્સિન ઝુંબેશને વધુ વેગ આપશે
- આ માટે હવે ખાનગી સેક્ટરનો પણ આશરો લેવામાં આવશે
નવી દિલ્હી: દેશમાં મહારાષ્ટ્રમાં, કેરળ, છત્તીસગઢ, પંજાબ તેમજ મધ્યપ્રદેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉંચક્યું છે. હવે પરિસ્થિતિ વધુ વિકટ ના બને તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રાલયને કોરોના રસીકરણ ઝડપી બનાવવા કહ્યું છે. કેન્દ્ર સરકાર હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની દિશામાં પગલાં લેવા જઇ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર દેશના અંદાજે 27 કરોડ લોકોને રસીકરણ માટે પ્રાઇવેટ સેક્ટરનો આશરો પણ લેશે જેથી ટૂંક સમયમાં રસીકરણ અભિયાન પૂર્ણ થઇ શકે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે. પોલ કહે છે કે કોરોના રસીકરણમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની સંપૂર્ણ વિગતો આગામી કેટલાક દિવસોમાં ઉપલબ્ધ થશે. ડૉ. પોલે કહ્યું કે, આ સમયે પણ આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઇન કામદારોની રસીકરણમાં ખાનગી ક્ષેત્રે મુખ્યત્વે સામેલ છે. 10 હજાર રસીમાંથી 2 હજાર રસી ખાનગી કંપનીઓ મૂકી રહી છે. જેમ જેમ આપણે રસીકરણની ઝુંબેશને વેગ આપીએ છીએ તેમ ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધુ ગહન થશે.
કોરોના રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની મોટા પાયે ભાગીદારી જરૂરી બનશે કારણ કે વસ્તીના વધુમાં વધુ વર્ગ રસીકરણ માટે પાત્ર બની જશે. હાલમાં ફક્ત હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી રહી છે.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આગામી તબક્કામાં સરકારની દરરોજ 50 હજાર લોકોને રસી આપવાની યોજના છે. આજ સુધીમાં દેશભરમાં 1.07 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો રસી અપાઈ છે. સૂત્રએ જણાવ્યું હતું કે આગામી તબક્કામાં આશરે 40થી 50 ટકા રસીકરણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.
(સંકેત)