પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત
- પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત
- ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત
- પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત
નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા તેમજ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી.
અત્યારે ચૂંટણીની તૈયારીની વાત કરીએ તો સુખદેવ સિંહની પાર્ટી અને કેપ્ટન અમરિંદર સિહની પાર્ટી સાથે ભાજપના ગઠબંધનનો ડ્રાફ્ટ લગભગ તૈયાર છે. ટૂંક સમયમાં જોડાણને લઇને સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. આપને જણાવી દઇએ કે પંજાબની 117 બેઠકોમાંથી ભાજપ એકલા હાથે 75થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 25-30 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
અત્યારે અમરિંદર સિંહ પંજાબ ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવાના સંદર્ભમાં વિવિધ ભાજપના નેતાઓને મળી રહ્યા છે. ભાજપે જાહેરાત કરી છે કે તે અમરિંદર સિંહની પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. બેઠકોનો મોટો હિસ્સો ભાજપના ફાળે જાય તે નિશ્વિત છે.
થોડાક સમય પહેલા અમરિંદર સિંહની પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદુવ સાથે ઝઘડો થયો હતો. આ પછી સિંહે પંજાબના મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. આ પછી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યપ્રધાન બનાવ્યા હતા.