Site icon Revoi.in

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબ CM ચરણજીત સિંહનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં થયેલી ચૂક બાદ પીએમ મોદીએ પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો અને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. આ માટે ભાજપે પંજાબ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ વચ્ચે આ મુદ્દે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહે મૌન તોડતા કહ્યું હતું કે, મને દુ:ખ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ફિરોઝપુર જીલ્લાની મુલાકાત દરમિયાન પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ભટિંડા જવાનું હતું, પરંતુ મારી સાથે જે લોકો જવાના હતા તે કોવિડ પોઝિટિવ આવતા નહોતું જઇ શકાયું.

તેમણે આ અંગે વધુ વાત કરતા કહ્યું હતું કે, અમે તેમને ખરાબ હવામાન તેમજ વિરોધને કારણે યાત્રા રોકવા માટે કહ્યું હતું. જો કે પીએમ મોદીના કાફલાના અચાનક ડાયવર્ઝન વિશે અમને કોઇ માહિતી નહોતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઇ ખામી જોવા મળી નથી. જો પીએમ મોદીની આજની મુલાકાત દરમિયાન સુરક્ષામાં કોઇ છીંડા હશે તો અમે તપાસ કરાવીશું. પીએમને કોઇ ધમકી નહોતી.

સીએમ ચન્નીએ ઉમેર્યું હતું કે, આજે અચાનક ફિરોઝપુર જીલ્લામાં કેટલાક આંદોલનકારીઓ એકઠા થયા હતા. વડાપ્રધાન પર કોઇ હુમલો થયો ન હતો, એવી કોઇ વિચારસરણી નહોતી. અગાઉ પણ દિલ્હીમાં ખેડૂત આંદોલન થયું હતું. તેમની કેટલીક માંગ હતી જે 1 વર્ષ પછી પૂરી કરવામાં આવી હતી. આજે પણ જો કોઇ શાંતિપૂર્વક રીતે વિરોધ કરવા રસ્તા પર ઉતરે તો તેને પીએમની સુરક્ષા સાથે જોડવું જોઇએ નહીં અને આ મુદ્દે કોઇપણ પ્રકારનું રાજકારણ ના થાય તે જરૂરી છે.