નવી દિલ્હી: પંજાબમાં દેશવિરોધી તત્વો ધાર્મિક લાગણી દુભાવવાની નાપાક યોજના ઘડી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને હાઇ એલર્ટ આપ્યું છે. પંજાબમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષાને સુનિશ્વિત કરવાનું કેન્દ્રીય એજન્સીઓએ આદેશ આપ્યો છે.
પંજાબ સરકારે પણ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. મંદિરોથી લઇને ગુરુદ્વારા સુધી, સીસીટીવી કેમેરા લગાવવા અને ગ્રામ્ય સ્તરે સરપંચોને પણ ચેતવણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જે ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે તેને માનીએ તો પંજાબમાં અનેક તોફાની તત્વો ધાર્મિક સ્થળોએ ઉત્પાત મચાવી શકે છે. ડેરાના ઘણા ચહેરાઓ પહેલાથી જ આતંકીઓના નિશાના પર છે. વિયનાની ઘટના બાદ પંજાબમાં લાંબા સમય સુધી વાતાવરણ તંગ રહ્યું અને આગચંપી પણ થઇ હતી. વિયનમાં આતંકીઓએ ડેરા સચખંડ બલ્લાનના સંત રામાનંદજીની હત્યા કરી હતી.
આતંકીઓ અનુસાર ડેરા સિરસાના સંત ગુરમીત રામ રહીમ, નૂરમહાલના દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન માટે RDX મોકલવામાં આવ્યું છે. આ કારણથી અનેક ડેરાઓની સુરક્ષા વધારી દેવાઇ છે અને સુરક્ષાની સમીક્ષા પણ થવા લાગી છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને તેનો પૂરો ફાયદો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI લેવાનો પ્રયાસ કરી રહી છે. પંજાબના તમામ ગુરુદ્વારા અને મંદિરોની સુરક્ષા કડક બનાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને તમામ ધાર્મિક સ્થળોની બહાર સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોના અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ પંજાબમાં ડ્રોનથી ટિફિન બોમ્બ પણ મોકલ્યા હોવાના ઈનપુટ મળ્યા છે. જેનું એક કન્સાઇનમેન્ટ હજુ સુધી રિકવર થયું નથી. માટે પંજાબના તમામ નાના-મોટા ગામોમાં ગુરુદ્વારા સાહિબ છે. આવી સ્થિતિમાં, એજન્સીઓ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે તમામ ગુરુઘરોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે અને તેની દેખરેખ રાખવામાં આવે.