અમદાવાદઃ ગુજરાતની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં હવે પ્રવેશ માટે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતના સો ટકા વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે આયુવ્રેદિક અને હોમિયોપેથિક કોલેજોમાં 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વ્યાવસાયિક તબીબી શેક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ આયુર્વેદિક ની 30 કોલેજોમાં 2340 બેઠકો તથા 35 હોમિયોપેથી કોલેજમાં 3589 બેઠક ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15 ટકા નેશનલ કોટા થી પ્રવેશ અપાય છે. તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમા ૧૫ ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે. હવે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પણ 15 ટકા નેશનલ કોટા થી મેરિટના આધારે પ્રવેશ આપવાનો નિર્ણય કરે છે. જેથી સમગ્ર દેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં આર્યુવેદિક અને હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આર્યુવેદિક અને હોમિયોપેથી કોલેજની બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ માટે ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટી ની રચના કરાઈ છે એ કમિટી જે ફી નકકી કરશે એ મુજબ ફી નિયત કરાશે.