મન કી બાત પર રાહુલ ગાંધીએ કહ્યું – ‘જો સમજતા દેશની મનની બાત, તો આવા ના હોત રસીકરણના હાલાત’
- મન કી બાત પર રાહુલ ગાંધીનો કટાક્ષ
- જો વેક્સિનને લઇને દેશની મન કી બાતને સમજતા તો આવી હાલત ના થાત
- વેક્સિનની અછતને લઇને પણ સરકાર પર નિશાન સાધ્યું
નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેક્સિનની વારંવાર અછતને કારણે અનેક રાજ્યોમાં સરકારે વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ પડે છે. વેક્સિનની અછતને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે, જો વેક્સિનને લઇને દેશની મન કી બાતને સમજતા તો આવી હાલત ના થાત.
સરકાર પર પ્રહારની સાથોસાથ રાહુલ ગાંધીએ એક 45 સેકન્ડનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. તેમાં તેઓએ વેક્સિનની અછત દર્શાવતી હોય તેવી અનેક-વિધ ક્લિપિંગ દર્શાવી છે. રાહુલ ગાંધીએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું છે કે, જો સમજતા દેશના મન કી બાત તો આવા ના હોત રસીકરણના હાલાત.
આપને જણાવી દઇએ કે વેક્સિનની અછતને લઇને રાહુલ ગાંધી સરકાર પર અનેકવાર નિશાન સાધી રહ્યા છે. શનિવારે તેઓએ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું કે, તેમણે રસીકરણ પૂરું કરવાને લઇને કોઇ સમયસીમા નક્કી નથી કરી અને આ કરોડરજ્જુ નહીં હોવાનો દાખલો છે. લોકોના જીવનનો સવાલ છે અને સરકાર કોઇ સમયસીમામાં માનતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના ખોટા નિર્ણયોના કારણે કોરોનાની બીજી લહેર દરમિયાન 50 લાખ ભારતીયોના મોત થયા. ગાંધીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા એક નવું અધ્યયન શૅર કર્યું હતું. જેમાં મહામારીની શરૂઆતથી જૂન 2021 સુધી ત્રણ અલગ-અલગ ડેટા સ્ત્રોતોથી વધુ મૃત્યુ દરનું અનુમાન લગાવવામાં આવ્યું છે.