Site icon Revoi.in

રાહુલ ગાંધીએ પત્ર લખીને PM મોદીને કરી અપીલ, કહ્યું – વાયરસનું મ્યૂટેશન ટ્રેક થાય તે જરૂરી

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશ અત્યારે કોરોનાની બીજી લહેરની ઝપેટમાં છે અને કોરોના વાયરસનું સંક્રમણ સ્ફોટક ગતિએ વધી રહ્યું છે. આ ચિંતાજનક સ્થિતિમાં હવે કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કોરોના સંક્રમણ મુદ્દે પીએમ મોદીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્ર લખીને કોરોના મ્યૂટેશનને ટ્રેક કરવાની પીએમને અપીલ કરી છે. તેમણે પત્રમાં એવી પણ રજૂઆત કરી હતી કે, તમામ મ્યૂટેશન પર વહેલી તકે ઉપલબ્ધ વેક્સીનને ટેસ્ટ કરવામાં આવે. દેશના તમામ લોકોનું ઝડપથી રસીકરણ થાય તે માટેની પણ માંગ કરી છે.

કોરોનાના બેકાબૂ સંક્રમણ વચ્ચે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા આરોપ લગાવ્યા હતા કે, સરકારની નિષ્ફળતાને કારણે દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગૂ કરવાની નોબત દેખાઇ રહી છે. આ સમયમાં લોકડાઉનમાં ગરીબોને ત્વરિત આર્થિક સહાય આપવી આવશ્યક છે.

પત્રમાં રાહુલ ગાંધીએ વિવશતા દર્શાવી છે કે તે ફરી એકવાર પત્ર લખવા વિવશ બન્યા છે. દેશ ફરીથી કોવિડના સંકજામાં છે. આ પ્રકારના અણધાર્યા સંકટમાં ભારતના લોકો આપની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ. હું આપને અપીલ કરું છું કે, તમે દેશના લોકોને બચાવવા માટે શક્ય હોય તે કરો.

પત્રમાં રાહુલ ગાંધીએ ઉમેર્યું છે કે, વિશ્વના દરેક 6 લોકોમાંથી એક ભારતીય છે. આ મહામારીથી આપણો આકાર, આનુવંશિક વિવિધતા તેમજ જટિલતાથી ભારતમાં આ વાયરસ માટે અનુકૂળ માહોલ મળે છે જેનાથી તેનું ખતરનાક સ્વરૂપ જાણવા મળ્યું છે.

(સંકેત)