તો કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ, રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ
- ખેડૂત આંદોલન વધુ ઉગ્ર થવાના એંધાણ
- ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપ્યું અલ્ટિમેટમ
- 26 નવેમ્બર સુધી સમાધાન નહીં આવે તો આંદોલન બનશે વધુ ઉગ્ર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે ફરી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઇને મોદી સરકારને 26 નવેમ્બરનું અલ્ટીમેટમ આપ્યું છે. રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે કે, જો કોઇ સમાધાન નહીં લાવે તો 26 નવેમ્બર પછી ખેડૂત આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આપને જણાવી દઇએ કે સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી દેખાવો કરી રહ્યાં છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર તંબુઓમાં રહી રહ્યા છે. આ આંદોલનને અત્યારસુધીનું સૌથી લાંબુ ખેડૂત આંદોલન માનવામાં આવી રહ્યું છે.
રાકેશ ટિકૈતે અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી મોદી સરકાર આ સમસ્યાનું કોઇ નિરાકરણ નથી લાવતી ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. કેન્દ્ર પાસે 26 નવેમ્બર સુધીનો સમય છે. ત્યારબાદ 27 નવેમ્બરના રોજ ખેડૂતો દિલ્હીની ચારેય તરફ આંદોલન સ્થળ વાળી સરહદો પર ટ્રેકટર લઇને પહોંચશે અને સાથે જ આંદોલન સ્થળ પર તંબુઓ બાંધીને રહેશે.
ઉત્તરપ્રદેશના અમરોહા જીલ્લામાં આવેલા જોઇ મેદાનમાં રાકેશ ટિકૈતે ખેડૂતોની સાથે વાત કરી હતી. અમેરિકાના ખેડૂતો વિશે પણ વાત કરી હતી. તે ઉપરાંત ખેડૂતોને સમજાવ્યા હતા કે કેવી રીતે તેમણે તેમના નિર્ણય પર અડગ રહેવું પડશે. ઉપરાંત તેમણે આજે ખેડૂતોને એવું પણ કહ્યું હતું કે, આ લડાઇ ઘણી લાંબી ચાલવાની છે.