18 કરોડમાં રામ મંદિર માટે જમીન શા માટે ખરીદી? ટ્રસ્ટે કેન્દ્ર સરકાર અને RSSને રિપોર્ટ મોકલ્યો
- અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદમાં કૌંભાડના આરોપોમાં ટ્રસ્ટ ફસાયું
- આ આરોપો વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો
- ટ્રસ્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલ્યો
નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા પવિત્ર રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીમાં કૌંભાડના આરોપોને લઇને હવે ટ્રસ્ટ ઘેરાઇ ચૂક્યું છે. આ આરોપો વચ્ચે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિવાદ મુદ્દે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલાયો છે. ટ્રસ્ટે આ તમામ રિપોર્ટને વિપક્ષોના ષડયત્ર ગણાવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ટ્રસ્ટે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ રિપોર્ટ મોકલ્યો છે. આ રિપોર્ટમાં જમીનની ખરીદી અંગેની તમામ જાણકારી અપાઇ છે અને ભાવ શા માટે અલગ-અલગ છે તે પણ સમજાવવામાં આવ્યું છે. ટ્રસ્ટે રિપોર્ટમાં લખ્યું છે કે, કથિત જમીન કૌભાંડના આરોપો ભાજપ પાર્ટીના વિરોધીઓ દ્વારા લગાવાઇ રહ્યા છે.
વિપક્ષ એવો આરોપ લગાવી રહ્યું છે કે, જે જમીનનો ભાવ માત્ર 2 કરોડ રૂપિયા હતો તે જમીનને ટ્રસ્ટે 18.5 કરોડ રૂપિયામાં ખરીદી છે.
મહત્વનું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદીને લઇન કેટલાક તથ્યો રજૂ કરવામાં આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે જમીન ખરીદવામાં આવી છે તે પ્રાઇમ લોકેશન પર છે અને માટે તેનો ભાવ વધારે છે. જેટલી જમીન ખરીદાઇ છે તેનો ભાવ 1423 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ છે. છેલ્લા 10 વર્ષથી આ ડીલને લઇને વાત ચાલી રહી હતી જેમાં 9 લોકો સામેલ હતા. ઘણા લાંબા સમયથી આ ડિલ થઇ છે અને માર્કેટ રેટ કરતા ઓછી કિંમતે જમીન ખરીદાઇ છે.