ચૂંટણીમાં લોભામણા વચનો આપતા પક્ષોની માન્યતા રદ્દ કરતી PIL સુપ્રીમમાં દાખલ
- ચૂંટણીમાં લોભામણા વચનો આપતા રાજકીય પક્ષોને લઇને સુપ્રીમમાં પીઆઇએલ
- આ પ્રકારના વચનો આપતા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા PILમાં માંગ
- આ બાબતે વિશેષ કાયદો ઘડવા પણ અરજદારની માંગ
નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અને આકર્ષવા માટે અનેક પ્રકારના વાયદાઓ અને ખાસ કરીને મફતમાં ચીજવસ્તુઓ આપવાના વચન આપતા હોય છે તેને લઇને PIL થઇ છે. PILમાં અરજીમાં માગ કરાઇ છે કે રાજકીય પક્ષો જનતાના પૈસે જ મફતખોરીના વચનો જનતાને આપે છે. તેથી આ પ્રકારના ઠાલા વચનો આપતા પક્ષોની નોંધણી રદ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
ચૂંટણી સમયે મતદારો પાસેથી અનૈતિક લાભ પ્રાપ્ત કરવા માટે જે લોભામણા વચનો આપવામાં આવે છે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી પણ પીઆઇએલમાં કરવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર આ માટે વિશેષ કાયદો ઘડે તેવી અપીલ પણ અરજદાર અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે.
આ પ્રકારના લાલચ આપતા વચનોની અસર ચૂંટણીઓ પર થાય છે. રાજકીય પક્ષોની આ પ્રકારની પ્રવૃત્તિ લોકતંત્રના મૂલ્યોના અસ્તિત્વ માટે ખતરા સમાન છે. રાજકીય પક્ષો જનતાના પૈસે જ જનતાને આ લાભો આપવાના વચનો આપે છે. જેનાથી બંધારણના મુલ્યોને પણ અસર થાય છે. રાજકીય પક્ષો દ્વારા સત્તા પ્રાપ્ત કરવાની આ પ્રથા એક રીતે લાંચ સમાન જ છે.
લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે તેના પર તાત્કાલીક પ્રતિબંધ મુકવા જોઇએ. ચૂંટણી પંચ જે પારદર્શી ચૂંટણી કરાવવા માગે છે તેના પર પણ રાજકીય પક્ષો દ્વારા અપાતી લાલચોની અસર થાય છે.