- રાષ્ટ્રીય સ્તરે 25મી નેશનલ રોડ સાયક્લીંગ ચેમ્પિયશિપનું થયું આયોજન
- આ સ્પર્ધામાં અમદાવાદના પાર્થ કરકરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ જીત્યું છે
- અમદાવાદ શહેરમાંથી નેશનલ લેવલ સાયક્લીંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર તેઓ માત્ર એક છે
અમદાવાદ: Ministry of Youth Affairs & Sports, Govt. Of India દ્વારા Recognized Cycling Federation of India દ્વારા આયોજીત 25માં નેશનલ રોડ સાયક્લીંગ ચેમ્પિયનશિપનું આયોજન તા. 5 થી 8, 2021 દરમિયાન મહારાષ્ટ્રના પનવેલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં Individual Time Trial, Mass Start, Team Time Trial, Criterium Raceનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે નેશનલ ઇવેન્ટમાં જીલ્લા સ્તરે તેમજ રાજ્ય સ્તરે સ્પર્ધા કરીને પાર્ટિસિપન્ટ્સને મોકલવામાં આવે છે. જેમાં આ વર્ષે ગુજરાતના 25 જેટલા સાયકલ રાઇડર્સનું સીલેક્શન થયું હતું. જેમાં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, ગુજરાતના પાર્થ કરકરે તા.6-03-2021ના રોજ તેઓની Age કેટેગરીમાં Individual Time Trial ઇવેન્ટમાં નેશનલ લેવલે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું છે. અહીંયા વધુ ગૌરવપૂર્ણ બાબત એ છે કે, અમદાવાદ શહેરમાંથી નેશનલ લેવલ સાયક્લીંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર તેઓ માત્ર એક છે. તેઓએ સાયક્લીંગમાં ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતું કર્યું છે.
પાર્થ કરકર સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યા હતા.
તેમની સિદ્વિ વિશે તેની સાથે વાત કરતા વધુમાં પાર્થ કરકર જણાવે છે કે તેમના મેડલનો શ્રેય તેમની સાયક્લીંગ ટીમ John Coach Cycling Academy (JCCA)ના કોચ John Coach તેમજ તેમની સંપૂર્ણ ટીમ ઉપરાંત તેમના માતા-પિતા, મિત્રોને જાય છે. તેમના કોચ John Coach કે જેઓ કેરળ ખાતેથી ઓનલાઇન તાલીમ આપે છે. તેમના કોચ જણાવે છે કે, પાર્થ ખૂબ જ સઘન રીતે સ્પર્ધા માટે વર્ષ 2018થી તાલિમ લે છે પરંતુ વર્ષ 2018-19માં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ આ વર્ષે તેઓએ સખત ખંતપૂર્વક મહેનત તેમજ પ્રતિદિન 80 થી 100 કિ.મી જેટલી આકરી તાલીમ લઇને રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
નોંધનીય છે કે આ ઇવેન્ટમાં અલગ અલગ રાજ્યોના 44 જેટલા સ્પર્ધકો પસંદ થયા હતા. જે સ્પર્ધકોમાંથી તેમના દ્વારા આ સફળતા હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણાંકીય પરિસ્થિતિ તેમજ ટેકનિકલ પરેશાનીઓ હોવા છતાં પણ પાર્થ કરકરે આકરી મહેનત કરીને રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તદુપરાંત, પાર્થ કરકર કે જેઓ અમદાવાદની Cyclone Cycling Clubના પણ સભ્ય છે, તેઓ વધુમાં વધુ યુવાનો સાયકલ પ્રત્યે આકર્ષાય તે બાબતે હંમેશા ક્લબ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આગામી સમયમાં વધુમાં વધુ યુવાનોને પ્રોત્સાહિત કરવા તેઓ તેમની ટીમ સાથે હંમેશા તત્પર રહેશે તેવું તેઓ દ્વારા જણાવામાં આવ્યું હતું.
(સંકેત)