Site icon Revoi.in

વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય – કેન્દ્રીય શિક્ષણ મંત્રી

Social Share

અમદાવાદ: ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત વ્યાસ પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે “બૌદ્ધિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે, જેના સંવર્ધનમાં ભારતીય ચિંતન અને શિક્ષણ વ્યવસ્થાની ભૂમિકા આગળ પડતી છે. આજે ભારત નવા યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ વિજ્ઞાન, ટેકનોલોજી, રચનાત્મક વિચાર, તાર્કિક નિર્ણય અને નાવીન્યતાને પ્રોત્સાહિત કરીને ભારતને જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે.”

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આગળ જણાવ્યું કે “આપણા જીવનમાં ગુરૂની ભૂમિકા મુખ્ય છે. ગુરૂ પોતાના જ્ઞાનપૂંજ દ્વારા છાત્રના વ્યક્તિત્વનું નિર્માણ કરવાની સાથે તેના ચરિત્ર નિર્માણમાં પણ મુખ્ય ભાગ ભજવે છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં સદીઓથી ગુરૂ પરંપરા વિદ્યમાન રહી છે, જેણે આપણી બૌદ્ધિક સંપત્તિ સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થા સૌને સમાજના હિતો પ્રત્યે તો સંવેદનશીલ બનાવે જ છે તદૂપરાંત ચેતનવંતા પણ બનાવે છે, જેની મદદથી આપણે આપણી આસપાસના સામાજિક વાતાવરણ, વ્યક્તિ તથા પરિવાર પાસેથી સતત શિખતા રહીએ છીએ.”

ટેકનોલોજીના પ્રસારને કારણે થયેલા પરિવર્તન વિષે એમણે જણાવ્યું કે બદલાઈ રહેલા વાતાવરણમાં ટેકનોલોજીના વિસ્તારે નવા પરિમાણો પ્રસ્તુત કર્યા છે, જેનાથી વિચાર પ્રવાહ પણ પ્રભાવિત થયો છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયોગો દ્વારા નાવીનતાનું વર્તુળ પણ વિકસ્યું છે, જેના લીધે વર્તમાન પડકારોના સમયમાં પણ શિક્ષણના પ્રસારનો માર્ગ આગળ વધ્યો છે. આપણા જીવનમાં પ્રકૃતિના મહત્વ પર પ્રકાશ પાડતા એમણે જણાવ્યું કે પ્રકૃતિ આપણી પહેલી ગુરૂ છે, જે આપણને જીવન દર્શનનો બોધ તો કરાવે જ છે, તદૂપરાંત સર્જનાત્મક સંદેશનો પ્રસાર પણ કરે છે.

એમણે ગુરૂ-શિષ્ય પરંપરાની પ્રતિક ’વ્યાસ પૂજા’ ના આયોજન તથા શૈક્ષણિક ચર્ચામાં યોગદાન માટે ભારતીય શિક્ષણ મંડળની પ્રશંસા પણ કરી.

કાર્યક્રમનું સંચાલન કરી રહેલા ભારતીય શિક્ષણ મંડળના અધ્યક્ષ સચ્ચિદાનંદ જોષીએ જણાવ્યું કે નદીઓ આપણા માટે ભૌગોલિક એકમ નથી. એ આપણા માટે સાંસ્કૃતિક ધરોહર છે, જેનું આપણા અસ્તિત્વ તથા સભ્યતાના નિર્માણમાં મહત્વનું યોગદાન હોય છે. જોષીએ શિક્ષણના ક્ષેત્રમાં મંડળ દ્વારા થઈ રહેલા પ્રયત્નો પર પ્રકાશ પાડતા કહ્યું કે શિક્ષણ મંડળ શિક્ષણમાં ભારતીયતા માટે પ્રતિબદ્ધ છે અને એ સાથે જ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગુરૂકુળ પરંપરા સ્થાપિત કરવા તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરૂઓની પ્રતિષ્ઠા મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દરમિયાન એમણે આધુનિક સમાજમાં ભારતીયકરણના સંકલ્પને સાકાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના યોગ્ય અમલીકરણમાં ભારતીય શિક્ષણ મંડળના જુદા-જુદા પ્રકલ્પો દ્વારા સંચાલિત કાર્યક્રમો સાથે સંબંધિત માહિતીની પણ રજૂઆત કરી.

સંપૂર્ણ કાર્યક્રમ લાઇવ નિહાળવા માટે આ લિંક પર ક્લિક કરો

ભારતીય શિક્ષણ મંડળ આયોજીત પૂજા મહોત્સવ

આ પ્રસંગે ભારતીય શિક્ષણ મંડળના સંગઠન મંત્રી મૂકુલ કાનિટકરે ’નદી કો જાનો; અભિયાનની માહિતી આપી. એમણે કહ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નદીઓ પ્રત્યે જાગૃત તથા સંવેદનશીલ કરવાનો છે, જેની મદદથી જીવનદાયિની નદીઓને બચાવી શકાય. આ દિશામાં સકારાત્મક કાર્ય કરનારા લોકોને પ્રોત્સાહિત તથા પુરસ્કૃત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીએ આ અભિયાનની શરૂઆત થયાની ઔપચારિક જાહેરાત પણ કરી.

કાર્યક્રમની શરૂઆત દત્તરાજ દેશપાંડેએ ધ્યેય શ્લોક સાથે કરી. આ દરમિયાન ભારતીય શિક્ષણ મંડળના મહામંત્રી ઉમાશંકર પચૌરી, સહ સંગઠન મંત્રી  શંકરાનંદ તથા પ્રચાર પ્રમુખ આનંદ અગ્રવાલ સહિત ’ફેસબૂક લાઇવ’ મારફતે સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.