- RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો
- ગયામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ
- ટ્રેનમાં કરી આગચંપી
નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. RRB-NTPCના પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દેખાવો ચાલુ રાખતા બુધવારે ગયા જંક્શન પર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની એક બોગી સળગી હતી. પોલીસે સ્થિતિને થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ગયા ઉપરાંત જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિતના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને રેલવે ટ્રેક પર ઉતરી ગયા અને હલ્લાબોલ કર્યો હતો.
વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ બાદ અને માંગણીઓ બાદ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની માંગણીઓને લઇને રેલવેએ એક સમિતિ ગઠિત કરી છે. આ સમિતિ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરશે.
પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ RRB પરિણામમાં ગેરરીતિનો વિરોધ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડે એક સમિતિની રચના કરી છે. જે વિદ્યાર્થીઓની સમસ્યા તો દૂર કરશે જ પરંતુ વિદ્યાર્થીઓના હિંસક વિરોધની પણ તપાસ કરશે. સીપીઆરઓ રાજેશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
બીજી તરફ ગયામાં ટ્રેનમાં આગચંપી બાદ ઘટનાસ્થળે પહોંચેલા ગયાના એસપીએ પણ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગયાના એસએસપી આદિત્ય કુમારે કહ્યું, “વિદ્યાર્થીઓ કોઈનાથી ગેરમાર્ગે ન દોરાય. રેલવેએ એક સમિતિની રચના કરી છે જે તપાસ કરશે. કેટલાક વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. તેમની સામે કાર્યવાહી ચાલુ છે.”