Site icon Revoi.in

છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

Social Share

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA એક હોવાનું કહીને જણાવ્યું હતું કે, છેલ્લા 40 હજાર વર્ષોથી ભારતના તમામ લોકોનું ડીએનએ સમાન છે. આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે, ત્યાગ કર્યો છે. માટે જ આપણી સંસ્કૃતિ આજે પણ અસ્તિત્વમાં છે. આપણો દેશ પ્રગતિના પંથે છે. આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરીએ છીએ.

તેમણે વધુમાં મીડિયામાં રહેલી માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, મીડિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સરકારનું રિમોટ કંટ્રોલ કહે છે પરંતુ આ વાતમાં કોઇ તથ્ય નથી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત એક વિશ્વ શક્તિ નથી પરંતુ નિશ્વિત રૂપથી મહામારી બાદ વિશ્વ ગુરુ બનવાની ક્ષમતા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્ય એ છે કે અમારા કેટલાક કાર્યકરો સરકારનો હિસ્સો છે પરંતુ મીડિયા અમને સરકારના રિમોટ કંટ્રોલ તરીકે જુએ છે અને પ્રસ્તુત પણ કરે છે. તેમાં બિલકુલ તથ્ય નથી. તે અસત્ય માત્ર છે. સરકાર અમારા સ્વયંસેવકોને કોઇ આશ્વાસન નથી આપતી. લોકો અમને એવું પૂછે છે કે, તમને સરકાર પાસેથી શું પ્રાપ્ત થાય છે, તો હું જણાવી દઉં કે, અમારા પાસે જે પણ કંઇ છે તે અમારે ગુમાવવું પણ પડી શકે તેમ છે.