Site icon Revoi.in

અફઘાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, રશિયા, ઇરાન જેવા દેશો થશે સામેલ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી વિશ્વના અનેક દેશોમાં તેને લઇને ચર્ચા-વિચારણા માટે અનેક બેઠકોનો દોર શરૂ થઇ ચૂક્યો છે. હવે આ જ દિશામાં હવે અફઘાનિસ્તાનને લઇને ભારતમાં આગામી 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલહકારોની બેઠક થવા જઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાશે. આ બેઠકમાં રશિયા, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશો સામેલ થવાના છે. અગાઉ ભારતે આ બધા જ દેશોને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા અને આ બધા જ દેશોએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

આ બેઠકનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાનની સાંપ્રત પરિસ્થિતિ પર હશે. તાલિબાન શાસન લાગૂ થયા બાદથી અફઘાનિસ્તાનમાં અરાજક્તાનો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા પણ કથળ્યા છે.

આ મીટિંગમાં તાલિબાની સરકાર, અફઘાનિસ્તાનમાં તાલિબાનના વર્ચસ્વને કારણે માનવીય સંકટ અને માનવાધિકારોના વિષય, અફઘાનિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા, શિક્ષણ અને નોકરીમાં ભાગીદારી, તાલિબાનથી દુનિયાની અપેક્ષાઓના વિષય પર વાતચીત થશે.

નોંધનીય છે કે, ભારતે આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનને પણ નિમંત્રણ મોકલ્યું છે. જો કે  બંને દેશો તેમાં સામેલ થાય તેવી સંભાવના નહીવત્ છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસૂફે ભારતમાં અફઘાન મુદ્દે થનારી NSAની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. ચીને પણ આ બાબતે હજુ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી.