Site icon Revoi.in

કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, હવે સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ નહીં યોજાય

Social Share

નવી દિલ્હી: ખેડૂતો પોતાની માંગ પર તો અડગ છે પરંતુ હવે ખેડૂતોએ એક મોટો નિર્ણય લેતા સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ કૃષિ કાયદાની વાપસી બાદ આ નિર્ણય લીધો છે. કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંધુ અને ટિકરી બોર્ડર પર સંયુક્ત મોર્ચાના નેતાઓની બેઠકમાં આગળના એજન્ડા અંગે ચર્ચા કરાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સંયુક્ત કિસાન મોર્ચાએ એવી જાણકારી આપી હતી કે, આગળની રણનીતિ માટે ચાર ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કેટલાક અન્ય મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે.

મહત્વનું છે કે આ પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કિસાનોને અપીલ કરી હતી કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા જાય. તો કૃષિ કાયદાને લઈને નરેન્દ્ર તોમરે કહ્યુ કે, તેને રદ્દ કરનાર બિલ શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

આ દરમિયાન કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, શૂન્ય બજેટની ખેતી, MSP પ્રણાલી, પાક વૈવિધ્ય જેવા અલગ અલગ મુદ્દા પર ચર્ચા-વિચારણા કરવા માટે પીએમ મોદી એક સમિતિનું ગઠન કરશે. કિસાન સંગઠનોએ પરાલી સળગાવવાને અપરાધ મુક્ત કરવાની માંગ કરી હતી, જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધો છે.