Site icon Revoi.in

ટેલિકોમ કંપનીઓને રાહત, સુપ્રીમ કોર્ટે લેણાં ચૂકવવા કંપનીઓને 10 વર્ષનો સમય આપ્યો

Social Share

– ટેલિકોમ કંપનીઓ માટે રાહતના સમાચાર
– સુપ્રીમે બાકી નીકળતા લેણાં ચૂકવવા કંપનીઓને 10 વર્ષનો સમય આપ્યો
– જો રકમ નહીં ચૂકવવામાં આવે તો કંપનીઓ વિરુદ્વ દંડનીય કાર્યવાહી કરાશે

ટેલિકોમ કંપનીઓ માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ભારતી એરટેલ, ટાટા ટેલિસર્વિસિસ અને વોડાફોન આઇડિયા સહિતની ટેલિકોમ કંપનીઓને અંદાજે રૂ.1.6 લાખ કરોડની એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ સંલગ્ન બાકી રકમ ટેલિકોમ વિભાગને ચૂકવવાના મામલે શરતી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ કંપનીઓને એજીઆર સંબંધિત બાકી લેણાંની ચૂકવણી કરવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે, ટેલિકોમ કંપનીઓએ તેમની બાકી રકમ પૈકીની 10 ટકા રકમ આગામી માર્ચ 2021 સુધીમાં ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરુણ મિશ્રાની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેલિકોમ વિભાગ દ્વારા એજીઆર સંલગ્ન રકમની માંગ અને સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે આપેલો ચુકાદો અંતિમ ગણાશે.

આપને જણાવી દઇએ કે ટેલિકોમ કંપનીઓના મેનેજીંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આગામી ચાર સપ્તાહમાં ડીઓટીને ચૂકવવાની રકમ અંગે બાંહેધરી અથવા પર્સનલ ગેરેન્ટી આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. જો કોઇ ટેલિકોમ કંપની એજીઆર સંલગ્ન રકમના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો તેના પર દંડનીય કાર્યવાહી કરાશે અને વ્યાજ વસૂલાત ઉપરાંત તેને કોર્ટની અવમાનના પણ ગણાશે.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ નાદારીની પ્રક્રિયા હેઠળની ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રના વેચાણના મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT) નિર્ણય કરશે.

(સંકેત)