Site icon Revoi.in

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

Social Share

નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો છે કે તેમની પાસે કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે શું નેશનલ પ્લાન છે. કોર્ટે હરિશ સાલ્વેને એમિક્સ ક્યૂરી નિયુક્ત કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદ્દા પર સરકાર પાસે જવાબ માંગ્યો છે. જેમાં પહેલો છે ઓક્સિજનની સપ્લાય, બીજો – દવાઓની સપ્લાય, ત્રીજો – રસી આપવાની રીત તથા પ્રક્રિયા અને ચોથો – લોકડાઉન કરવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહીં. હવે 23 એપ્રિલના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે છ અલગ અલગ હાઈકોર્ટે સંજ્ઞાન લીધુ છે. આથી ‘કન્ફ્યૂઝન અને ડાયવર્ઝન’ની સ્થિતિ છે. દિલ્હી બોમ્બે, સિક્કિમ, કલકત્તા, અલાહાબાદ અને ઓડિશા એમ છ હાઈકોર્ટમાં કોરોના સંકટ પર સુનાવણી ચાલુ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ ‘કન્ફ્યૂઝન અને ડાઈવર્ઝન’ કરી રહ્યું છે. એક હાઈકોર્ટને લાગે છે કે આ તેમના અધિકાર ક્ષેત્રમાં પ્રાથમિકતા છે, એકને લાગે છે કે આ તેમનો અધિકાર ક્ષેત્ર છે.

અલાહાબાદ હાઈકોર્ટના લોકડાઉનના આદેશનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે નથી ઈચ્છતી કે હાઈકોર્ટ આવા આદેશ આપે. સીજેઆઈ એસએ  બોબડેએ કહ્યું કે અમે રાજ્ય સરકારો પાસે લોકડાઉનની જાહેરાત કરવાની શક્તિ રાખવા માંગીએ છીએ. ન્યાયપાલિકા દ્વારા તેનો ઉપયોગ થવો જોઈએ નહીં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને પૂછ્યું કે શું તે હાઈકોર્ટમાં કાર્યવાહી પર રોક લગાવશે. જેના પર કોર્ટે કહ્યું કે સરકાર પોતાની યોજનાઓ હાઈકોર્ટમાં રજુ કરી શકે છે જો તમારી પાસે ઓક્સિજન માટે એક નેશનલ પ્લાન છે તો નિશ્ચિત રીતે હાઈકોર્ટ તેને જોશે.

(સંકેત)