- કોવિડને લઇને નવો રિપોર્ટ સામે આવ્યો
- કોવિડ પોઝિટિવ આવ્યા બાદ છ મહિના સુધી આત્મઘાતી એન્ટિબોડી રહે છે
- આ રીતે તેની શરીર પર અસર થાય છે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે અને આ સાથે જ કોવિડના કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે હવે કોવિડ 19ને લઇને એક નવા અભ્યાસમાં એન્ટિબોડીઝને લઇને કેટલાક તારણો સામે આવ્યા છે.
આ અભ્યાસમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોવિડ પછીની સમસ્યાઓ પર જર્નલ ઑફ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, સંક્રમણથી મુક્ત થયા બાદ પણ વ્યક્તિમાં સમસ્યાઓ લાંબા સમય સુધી રહે છે.
અભ્યાસ બાદના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, સંક્રમણ શરીરમાં સેલ્ફ-એક્ટિંગ એન્ટિબોડીઝને સક્રિય કરે છે. સંક્રમણગ્રસ્ત વ્યક્તિ સારવાર બાદ સંક્રમણમાંથી છૂટકારો મેળવે છે, પરંતુ સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને ખરાબ રીતે અસર કરે છે.
રોગપ્રતિકારક તંત્રનું કામ શરીરમાં બેક્ટરિયા અને વાયરસ જેવા ફોરેન બોડીઝના પ્રવેશને રોકવાનુ છે. સિસ્ટમમાં હાજર વિશેષ પ્રકારના કોષો તેમની સાથે યોદ્વાઓની જેમ લડે છે. પરંતુ સેલ્ફ એક્ટિંગ એન્ટિબોડીઝની રચના પછી, રોગપ્રતિકારક તંત્ર પોતે જ મૂંઝવણમાં મૂકાઇ જાય.
સંક્રમણ દરમિયાન રચાયેલી સેલ્ફ અટેકીંગ એન્ટિબોડીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિને મૂંઝવણમાં મૂકે છે. રોગપ્રતિકારક તંત્રના કોષો જે બહારથી શરીરમાં પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ સામે લડે છે, તેઓ શરીરના અંગો અને પેશીઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ જીવલેણ પ્રક્રિયા લગભગ છ મહિના સુધી ચાલુ રહે છે.